વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટ્સના ઐતિહાસિક ગુમ્બજના રિસ્ટોરેશન કામની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. વર્ષ 2023માં અંદાજે ₹5.50 કરોડના ખર્ચે શરૂ કરવામાં આવેલું હેરિટેજ રિસ્ટોરેશનનું કામ ઓગસ્ટ 2026માં પૂર્ણ થયાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી આ કામનું સત્તાવાર લોકાર્પણ થયું નથી અને તેની તારીખ પણ નક્કી કરવામાં આવી નથી.

આ દરમિયાન લોકાર્પણ પહેલાં જ ડોમના રિસ્ટોરેશનની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે. કામ પૂર્ણ થયાના થોડા સમય બાદ જ ડોમની બીજી તરફનો રંગ ઊખડવા લાગ્યો હોવાનું સામે આવ્યું છે. કેટલીક જગ્યાએ રંગ ઝાંખો પડવાની સાથે પોપડા પણ ઊખડતા જોવા મળ્યા છે.
₹5.50 કરોડના ખર્ચ બાદ પણ આ પ્રકારની સ્થિતિ સામે આવતા રિસ્ટોરેશનમાં વપરાયેલી સામગ્રી અને કામગીરીની ગુણવત્તા અંગે સવાલો ઉઠી રહ્યા છે. ઐતિહાસિક વારસો ધરાવતી ફેકલ્ટી ઓફ આર્ટ્સના ગુમ્બજના જતન માટે કરવામાં આવેલા કામમાં યોગ્ય ગુણવત્તા જળવાઈ છે કે નહીં તે અંગે તપાસની માગ ઉઠી છે.
વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી સાથે જોડાયેલા લોકોમાં પણ આ મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે. લોકાર્પણ પહેલાં જ રિસ્ટોરેશનની ખામીઓ સામે આવતા હવે તંત્ર દ્વારા કામગીરીની તપાસ કરી જવાબદારી નક્કી કરવામાં આવે છે કે નહીં, તેના પર સૌની નજર છે.
Reporter: admin







