News Portal...

Breaking News :

સ્વિમિંગ પુલમાં સગીરને ડૂબાડવાનો પ્રયાસ, સભ્ય પર 5 વર્ષનો પ્રતિબંધ

2026-09-04 13:48:25
સ્વિમિંગ પુલમાં સગીરને ડૂબાડવાનો પ્રયાસ, સભ્ય પર 5 વર્ષનો પ્રતિબંધ

શહેરના રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલમાં સગીરને ઊંડા પાણીમાં ડૂબાડવાનો પ્રયાસ થયાની ગંભીર ઘટના સામે આવી છે. બે મહિના અગાઉ બનેલી આ ઘટનામાં 47 વર્ષીય સ્વિમરે સ્વિમિંગ કરી રહેલા સગીરને પકડીને ઊંડાણવાળા પાણી તરફ ખેંચી જઈ બે વખત ડૂબાડવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે. ઘટના સામે આવ્યા બાદ વડોદરા મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી કરતાં સંબંધિત કાયમી સભ્યને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કર્યો છે.


મળતી માહિતી મુજબ, સગીર રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ કરી રહ્યો હતો ત્યારે હિરલ પટેલ નામના વ્યક્તિએ તેને પકડીને ઊંડા પાણીના ભાગ તરફ ખેંચી ગયો હતો. ત્યાં સગીરને બે વખત પાણીમાં ડૂબાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ સામે આવી હતી. જોકે, સદનસીબે સગીરને બચાવી લેવામાં આવ્યો હતો.

ઘટના બન્યાના આશરે બે મહિના બાદ મહાનગરપાલિકાએ આ મામલે સસ્પેન્શનની કાર્યવાહી કરી છે. કાર્યવાહી હેઠળ સંબંધિત વ્યક્તિ પર વર્ષ 2031 સુધી વડોદરા શહેરના કોઈપણ સ્વિમિંગ પૂલમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.


આ ઉપરાંત, ઘટના સમયે સ્વિમિંગ પૂલમાં હાજર કોચ અને પાલિકાના કર્મચારીઓની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવશે. તેમની બેદરકારી સામે આવશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. સગીર સાથે બનેલી આ ગંભીર ઘટનાને લઈને સ્વિમિંગ પૂલની સુરક્ષા વ્યવસ્થા અને જવાબદાર કર્મચારીઓની કામગીરી પર સવાલો ઊભા થયા છે.

Reporter: admin

Related Post