હાઇવે પર લઘુશંકા માટે લક્ઝરી બસના ડ્રાઇવરે બસ ઉભી નહીં રાખતા મુસાફર અને તેના સાથીદારોએ ડ્રાઇવરને હાઇવે પર માર માર્યો હતો. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કર્યો છે.ઉત્તર પ્રદેશના જાલોન જિલ્લાના નુરપુર ગામે રહેતો મહેન્દ્રસિંગ બલવંતસિંગ ઠાકુર જાલોન તથા સુરત ખાતે આવેલી અમર શક્તિ ટ્રાવેલ્સમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. કપુરાઇ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું તથા અન્ય ડ્રાઇવર,ક્લિનર ઉરઇથી મુસાફરો બેસાડીને વડોદરા અને સુરત જવા બે દિવસ પહેલા નીકળ્યા હતા. ઇન્દોર હાઇવે પર બપોરે બાર વાગ્યે અમે પહોંચ્યા હતા. તે દરમિયાન એક મુસાફરે લઘુશંકા માટે બસ ઉભી રાખવાનું કહેતા મેં તેઓને જણાવ્યું કે, આગળ હોટલ આવ્યે ઉભી રાખીશ. જેથી, મુસાફર મોહિત તથા અન્યએ મારી સાથે ઝઘડો કરી ધમકી આપી હતી કે, વડોદરા આવ્યે તને જોઇ લઇશ.
૩ જી તારીખે રાતે સવા એક વાગ્યે બસ લઇને હું દરજી પુરા પાંજરા પોળ પહોંચ્યો હતો. મોહિતે બસ ઉભી રાખતા કુલ પાંચ મુસાફરો નીચે ઉતર્યા હતા. મોહિતને લેવા તેના ઓળખીતા કાર લઇને આવ્યા હતા. તે પૈકી બે જણા ડ્રાઇવર સાઇડના દરવાજાથી તથા અન્ય બે વ્યક્તિઓ આગળના દરવાજાથી અંદર ધસી આવ્યા હતા. તેઓએ મારી સાથે મારામારી કરી લક્ઝરી બસમાંથી ખેંચીને મને નીચે ઉતાર્યો હતો. મને ગાળો બોલી તેઓએ માર માર્યો હતો. લક્ઝરી બસના અન્ય ડ્રાઇવર તથા મુસાફરો નીચે ઉતરીને આવતા હુમલાખોરો ભાગી ગયા હતા.
Reporter: News Plus