મુંબઈ : દેશમાં નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન બેંક છેતરપિંડીના કેસોમાં ભલે ઘટાડો થયો હોય પણ તેની રકમમાં ભારે વૃદ્ધિ જોવા મળી છે.
આરબીઆઇએ ગુરૂવારે જારી કરેલા પોતાના વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન બેંક છેતરપિંડીના કેસોમાં ઘટાડો થયો છે. જો કે તેમાં સામેલ રકમ ત્રણ ગણી વધી ગઇ છે. આરબીઆઇના રિપોર્ટ અનુસાર ગત નાણાકીય વર્ષમાં પ્રાઇવેટ સેક્ટરની બેંકોમાં છેતરપિંડીના કેસો વધારે કેસ નોંધવામાં આવ્યા હતાં. જો કે છેતરપિંડીની રકમ સરકારી બેંકોમાં વધારે હતી. છેતરપિંડીની ૭૧ ટકા રકમ સરકારી બેંકો સાથે સંકળાયેલી હતી. લોન છેતરપિંડીની રકમ 230 ટકા વધીને 33148 કરોડ રૂપિયા થઇ ગઇ છે. આવા કેસોની સંખ્યા બમણી થઇને 7950 થઇ ગઇ છે. બીજી તરફ કાર્ડ અને ઇન્ટરનેટ છેતરપિંડીની રકમ 63 ટકા ઘટીને 520 કરોડ રૂપિયા થઇ છે. કાર્ડ અને ઇન્ટરનેટ છેતરપિંડીના કેસોની સંખ્યા 50 ટકા ઘટી 13516 થઇ ગઇ છે.
આરબીઆઇના નાણાકીય વર્ષ 2025ના વાર્ષિક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2024-25માં બેંકોમાં છેતરપિંડીના કુલ 23953 કેસો સામે આવી હતાં. જે નાણાકીય વર્ષ 2024થી 34 ટકા ઓછા છે. જો કે નાણાકીય વર્ષ 2025માં છેતરપિંડીમાં સામેલ રકમ વધીને 36014કરોડ રૂપિયા થઇ છે. આ રકમ લગભગ ત્રણ ગણી વધારે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2023-24ની સરખામણીમાં 2024-25 દરમિયાન રિપોર્ટ કરવામાં આવેલ કુલ છેતરપિંડીમાં સામેલ રકમમાં વૃદ્ધિ જોવા મળી છે. આ વૃદ્ધિનું મૂળ કારણ ગત નાણાકીય વર્ષ દરમિયાન રિપોર્ટ કરવામાં આવેલ 18647 કરોડ રૂપિયાની રકમના 122 કેસોને ફરીથી છેતરપિંડીના રૂપમાં વર્ગીકરણ કરવાનું છે. આ પગલું 27 માર્ચ, 2023ના રોજ આવેલ સુપ્રીમ કોર્ટના નિર્ણયના પાલનને સુનિશ્ચિત કરવા માટે ઉઠાવવામાં આવ્યું છે. આ કેસોની ફરી તપાસ કરવામાં આવી અને ચાલુ નાણાકીય વર્ષમાં તેમને નવેસરથી રિપોર્ટ કરવામાં આવ્યા છે.
Reporter: admin