વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોમાં ગુજરાતના એક ડિરેક્ટર પદ માટે 3 ઉમેદવાર થતા ચૂંટણીની નોબત આવી છે.
બોર્ડ ઓફ ડિરેકટરની કુલ 21 બેઠકમાંથી માત્ર ગુજરાતની બેઠકમાં મેન્ડેટ જારી કરાયો છે.BJP માં IFFCO ની ચૂંટણીમાં ડખો પડ્યો છે.
માહિતી મુજબ, ભાજપનો મેન્ડેટ ગોતા વિસ્તારના બિપીન પટેલના નામનો જારી કરાયો છે. જ્યારે, પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ પહેલાથી જ ઉમેદવારી નોંધાવી છે.
આ સિવાય, મોડાસા ભાજપના અગ્રણી પંકજ પટેલે પણ ઉમેદવારી કરી છે. આથી હવે, ગુજરાત ડિરેક્ટરની એક બેઠકમાં ભારે આંતરિક ખેંચતાણ જોવા મળી રહી છે. આ એક બેઠક માટે 3 ઉમેદવાર થતાં આવતીકાલે ચૂંટણી યોજાશે એવી માહિતી છે.
દિલીપ સંધાણીનું જયેશ રાદડિયાને સમર્થન
આવતીકાલે ઇફકો ડિરેક્ટર પદ માટે ભાજપના બળિયાજૂથ આમને સામને હશે. જયેશ રાદડિયાએ કહ્યું હતું કે, મેં નિર્ધારિત સમયે ફોર્મ ભરી દીધું છે. હું ચૂંટણી લડીશ. જ્યારે ઇફકો ચેરમેન દિલીપ સંધાણીએ પણ જયેશ રાદડિયાનું સમર્થન કરી જણાવ્યું હતું કે, જયેશ રાદડિયાએ ફોર્મ નિયત સમયે ભર્યું તો બળવો ક્યાં થયો ? આ સાથે રાદડિયાની રાજકીય સાથે સહકારી કારકિર્દી પતાવવાનો કારસો રચાયાનો આક્ષેપ પણ કરાયો હતો. જણાવી દઈએ કે, લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા હવે આવતીકાલે સહકારી ચૂંટણી પર સૌની મીટ મંડાઈ છે. ઇફકોના ચેરમેન દિલીપ સંધાણીએ પહેલેથી જ જયેશ રાદડિયાને સમર્થન આપ્યું છે. જ્યારે, ગોતા વિસ્તારના બિપીન પટેલ કે જેમને મેન્ડેટ અપાયો છે તે પ્રદેશ ભાજપના નજીકના મનાય છે. આથી હવે રાજકોટ લોધિકામાં મેન્ડેટ અનાદર બદલ અગાઉ ભાજપ એ પગલાં લીધા હતા ત્યારે આમાં શું થશે? તેની અટકળોએ વેગ પકડ્યો છે. નોંધનીય છે કે, દિલીપ સંધાણી જે બેઠક પર ઉમેદવારી કરેલ તે બેઠક બિનહરીફ થતાં સંધાણીની સીધી એન્ટ્રી થઇ ગઈ છે.
Reporter: News Plus