News Portal...

Breaking News :

ભારતમાં બનશે ફાઇટર જેટનું સ્વદેશી એન્જિન

2026-08-15 10:16:38
ભારતમાં બનશે ફાઇટર જેટનું સ્વદેશી એન્જિન

ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને બ્રિટનની અગ્રણી એરોસ્પેસ કંપની રોલ્સ-રોયસે ભારતમાં અદ્યતન એરક્રાફ્ટ એન્જિન વિકસાવવા અને તેનું ઉત્પાદન કરવા માટે ભાગીદારી કરી છે. આ ભાગીદારી હેઠળ દેશમાં એક વિશેષ એરોસ્પેસ ગેસ ટર્બાઇન કોમ્પ્લેક્સ સ્થાપવાની યોજના છે.

આ કોમ્પ્લેક્સમાં ફાઇટર જેટ સહિત અદ્યતન એરક્રાફ્ટ માટે એન્જિનના ડિઝાઇન, ડેવલપમેન્ટ, ટેસ્ટિંગ, મેન્યુફેક્ચરિંગ અને ડિલિવરીથી લઈને લાઇફટાઇમ સપોર્ટ સુધીની સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટથી ભારતને હાઇ-ટેક એરક્રાફ્ટ એન્જિન ક્ષેત્રે પોતાની ક્ષમતા વિકસાવવામાં મદદ મળશે અને વિદેશી ટેક્નોલોજી પરની નિર્ભરતા ઘટાડવાનો માર્ગ વધુ મજબૂત બનશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષા અને દેશની મજબૂતી માટે ભારત પાસે પોતાની અદ્યતન ટેક્નોલોજી હોવી જરૂરી છે. રોલ્સ-રોયસ સાથેની ભાગીદારીના માધ્યમથી ભારતમાં જ ફાઇટર જેટ એન્જિનના વિકાસ અને ઉત્પાદન માટે મજબૂત વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. આ સાથે ભારત વૈશ્વિક સંરક્ષણ બજારમાં પણ સ્પર્ધા કરવા માટે સક્ષમ બનશે.

રોલ્સ-રોયસના CEO તુફાન એર્ગિનબિલ્ગિકે પણ આ ભાગીદારીને ભારત માટે મહત્વપૂર્ણ ગણાવી હતી. તેમના જણાવ્યા મુજબ રોલ્સ-રોયસની લાંબા સમયથી વિકસાવેલી એન્જિન ટેક્નોલોજી અને રિલાયન્સની ઔદ્યોગિક ક્ષમતાના સંયોજનથી ભારતમાં મજબૂત અને આત્મનિર્ભર એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ ઊભી થઈ શકે છે.

પેસેન્જર એરક્રાફ્ટને પણ થશે ફાયદો

આ ભાગીદારીનો વ્યાપ માત્ર સંરક્ષણ ક્ષેત્ર પૂરતો મર્યાદિત રહેવાનો નથી. ભવિષ્યમાં પેસેન્જર એરક્રાફ્ટ તેમજ અન્ય પાવર સિસ્ટમ્સ માટેની એન્જિન ટેક્નોલોજીના વિકાસમાં પણ બંને કંપનીઓ સાથે મળીને કામ કરી શકે છે. જેના કારણે ભારતમાં વિકસતા નાગરિક વિમાન ક્ષેત્રને પણ સ્થાનિક સ્તરે વિકસાવવામાં આવેલા એન્જિનનો વિકલ્પ મળી શકે છે.

AMCA માટે મહત્વપૂર્ણ વિકાસ

ભારતનું એડવાન્સ્ડ મિડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) પાંચમી પેઢીનું સ્ટીલ્થ ફાઇટર જેટ છે. તેના પ્રોડક્શન મોડલને મે 2025માં મંજૂરી આપવામાં આવી હતી. ભારતીય વાયુસેના માટે વિકસાવવામાં આવી રહેલા આ અત્યાધુનિક ફાઇટર જેટને 2030ના દાયકાના મધ્યભાગ સુધીમાં સેવામાં સામેલ કરવાની યોજના છે. ભારતમાં જ અદ્યતન એન્જિન વિકસાવવાની ક્ષમતા ઊભી થવાથી ભવિષ્યના ફાઇટર એરક્રાફ્ટ પ્રોગ્રામને પણ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ટેકો મળી શકે છે.

Reporter: admin

Related Post