વડોદરામાં ઉત્તરાયણના દિવસે 4 નાગરિકોના મોત થયા હોવાના સમાચારથી હડકંપ મચી ગયો છે.ઉતરાયણના દિવસે પતંગની દોરીથી 33થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમને સારવાર અપાઇ રહી છે.
ઉતરાયણના પર્વે 4 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં પતંગની દોરીથી ગળું કપાવવાના કારણે બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. છાણી વિસ્તારમાં પતંગનો દોરો ભરાઇ જવાના કારણે માધઉરી પટેલ નામની મહિલાનું મોત થયું હતું જ્યારે પાદરામાં પણ એક યુવકનું ગળુ કપાઇ ગયું હતું. બાઇક પર જઇ રહેલા યુવકના ગળામાં પતંગનો દોરો આવી જતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઉપરાંત 1 વ્યક્તિનું ધાબા પરથી પડી જવાના કારણે મોત થયું છે અને પતંગ પકડવા જઇ રહેલા યુવકનું ટ્રેનની અડફેટે આવી જતા મોત થયું હતું. આ સાથે ડભોઇ તાલુકાના ચનવાડા સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર ચાઇનીઝ દોરીથી યુવક ઘવાયો હતો.
ચનવાડા નજીક બાઈક લઇ પસાર થતા યુવકને કપાળના ભાગે ગંભીર ઈજા થઇ હતી જેથી સ્થાનિકોએ યુવકને સ્થાનિકો દ્વારા 108 ની મદદ થી ડભોઇ ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં યુવકને કપાળના ભાગે 20 જેટલાં ટાંકા આવ્યા હતા. અન્ય બનાવમાં કરજણમાં હાઇવે પરથી પસાર થતા યુવકનું ગળુ કપાઇ જતાં તેને સારવાર માટે ખસેડાયો હતો. બાઇક સવાર યુવકના ગળાના ભાગે દોરી આવતા તેને ગંભીર ઇજા થઇ હતી જેથી તત્કાળ સરકારી દવાખાનામાં તેને સારવાર માટે ખસેડાયો હતો. ઉપરાંત પાદરાના કરખડી ગામમાં પણ યુવકનું ગળુ કપાયું હતું. બાઇક પર જઇ રહેલા યુવકના ગળામાં અચાનક પતંગનો દોરો આવી જતા તેના ગળામાં ગંભીર ઇજા થઇ હતી. તેને 30 ટાંકા લેવા પડ્યા હતા.
Reporter: admin