વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાં પૂર ના આવે તે માટે મુખ્યમંત્રીની સૂચના બાદ શરુ કરાયેલા વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત કેટલુંક મહત્વનું કામ 100 દિવસમાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક વડોદરા મહાનગરપાલિકાએ રાખ્યું હતું અને તે મુજબ પાલિકાએ 92 દિવસમાં કામ પુરુ કરી દીધું હોવાનો દાવો ચેરમેને કર્યો છે.

જો કે ચેરમેનનો આ દાવો કેટલો સાચો નિવડશે તે તો આગામી ચોમાસામાં ખબર પડી જશે. પાલિકા ભલે દાવો કરી રહી હોય કે કામ 98 ટકા પૂર્ણ થઇ ગયું છે. પણ વાસ્તવીક્તા કંઇક ઓર જ છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં 98 ટકા કામ થયું હોવાનો કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ દાવો કરે છે પણ તેમણે જોવું જોઇએ કે વિશ્વામિત્રીના એક કિનારે તો ઘણી જગ્યાએ હજુ કામ થયું જ નથી. કયા મુહૂર્તની રાહ જોવાઈ રહી છે. નદીના તટ પર બંને કિનારે કામ થવું જોઇએ, પણ એક જ કિનારા પર કામ કરવામાં આવ્યું છે. વિશ્વામિત્રીના પટ પર ગેરકાયદેસર દબાણ કરીને તાણી દેવાયેલી સયાજી હોટલના કિનારે કોઇ કામગીરી ત્યાં થઇ જ નથી. વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં સયાજી હોટલ તરફના જમણી તરફના ભાગ પર કોઇ કામગીરી જ કરાઇ નથી કારણ કે જો કામગીરી કરાય તો સયાજી હોટલનું ગેરકાયદેસર દબાણ તોડવું જ પડે એટલે આ તરફની કામગીરી જાણી જોઇને કરાઇ નથી. આવા તો વિશ્વામિત્રીના પટ પર અસંખ્ય દબાણો છે. જેમાં હોટલ, અને હાઇરાઇઝ બિલ્ડીંગો અને મોલ છે અને ત્યાં પણ વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી કરાઇ નથી કારણ કે આ હોટલ અને બંગલા તથા બિલ્ડીંગો માલેતુજારોની છે અને માલેતુજારોનો કોલર પકડવાની તાકાત કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓમાં નથી. વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂર્ણ થઇ જશે તેવી ભલે ગુલબાંગો પોકારવામાં આવે પણ જ્યાં જ્યાં માલેતુજારોનું ગેરકાયદેસર દબાણ છે તે વિસ્તારોમાં તો વિશ્વામિત્રી પ્રોજેક્ટનું રતીભર પણ કામ થયું નથી. વડોદરાવાસીઓએ સમજી લેવું જોઇએ કે કોર્પોરેશનના પાપે આ ચોમાસે પણ તમારે પૂરનો પ્રકોપ ઝીલવાનો છે. દાવો તો કરાયો હતો કે. 100 દિવસમાં કામ થઇ જશે પણ હજું માડ 60 ટકા કામ થયું છે કે નહી એ પણ એક સવાલ છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી અધૂરી જ રહી છે. એક જગ્યાએ જ કામગીરી કરાઇ છે અને નદીને પહોળી અને ઉંડી કરવાના નામે માત્ર ઝાંડી ઝાંખરા હટાવ્યા પણ નક્કર કામગીરી કરાઇ નથી. હવે આ વર્ષે ન કરે નારાયણ ને વડોદરામાં પૂર આવ્યું તો તેના માટે જવાબદાર કોણ ?

98 ટકા કામ પૂર્ણ... ચેરમેન
તા. 9 માર્ચે કામગીરી શરૂ કરવામાં આવી હતી. 100 દિવસ પૂરા થવાનો 19 જૂન છેલ્લો દિવસ છે. વડોદરા કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત જે 24.7 કિલોમીટરમાં કામગીરી કરવાની હતી તે પૈકી 98 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. થોડી કામગીરી બાકી છે તે આગામી ટૂંક દિવસમાં પૂરી થઇ જશે. તમામ કામગીરી પુરી કરી દેવાશે. ચિંતા કરવાની જરુર નથી.
ડો.શીતલ મિસ્ત્રી, ચેરમેન, સ્થાયી સમિતી
Reporter: admin