ભારતીય હવામાન વિભાગ (IMD)એ દેશના અનેક રાજ્યો માટે આગામી 24થી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કર્યું છે. વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને આસામ સહિતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે. ઉપરાંત નદીઓના જળસ્તરમાં વધારો થવાની અને કેટલાક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્ય સરકારો અને સ્થાનિક વહીવટી તંત્રને સજ્જ રહેવા તેમજ જરૂરી તકેદારીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.
IMDએ નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, હવામાન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા જારી કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી બે દિવસ સુધી દેશના અનેક રાજ્યોમાં ચોમાસું વધુ સક્રિય રહેવાની શક્યતા છે.
Reporter: admin







