News Portal...

Breaking News :

વડોદરા પાસે હિટ એન્ડ રનની ઘટના: લગ્નમાંથી પરત ફરી રહેલા પોલીસકર્મી સહિત 3 મિત્રોના મોત

2025-04-25 15:07:02
વડોદરા પાસે હિટ એન્ડ રનની ઘટના: લગ્નમાંથી પરત ફરી રહેલા પોલીસકર્મી સહિત 3 મિત્રોના મોત


વડોદરા : રાજ્યમાં સતત હિટ એન્ડ રનની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે વડોદરા નજીક એક બોલેરો ચાલકે બાઇકને અડેફેટે લેતા 3 લોકોના મોત નીપજ્યા છે. 


મૃતકોમાં એક પોલીસકર્મીનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતમાં સુરેશ નરસિંગ રાઠવા અને હરેશ રામસિંગ રાઠવાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થઈ ગયું હતુ. જ્યારે ગંભીર રીતે ઘાયલ મુકેશ રાઠવાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ યુવકને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા નજીક આવેલા ડભોઇના ગોપાલપુરા પાસે બોલેરો અને બાઇક વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ક્વાંટ ગામે લગ્નમાં હાજરી આપવા ગયેલા ત્રણ મિત્રોને પરત ફરતી વખતે બોલેરોએ ટક્કર મારી હતી. 


અકસ્માતમાં મોતને ભેટેલા મુકેશ રાઠવા કપુરાઇ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતા હતા. તેઓ મૂળ તુરખેડા જિલ્લો છોટાઉદેપુરના રહેવાસી છે.જ્યારે મૃતક સુરેશ રાઠવા અને હરેશ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કનલવા ગામના રહેવાસી છે અને તેમણે તાજેતરમાં પીએસઆઇની પરીક્ષા આપી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ બોલેરો ચાલકની શોધખોળ માટે તજવીજ હાથ ધરાઇ છે.

Reporter: admin

Related Post