વડોદરા જિલ્લાના આજોડ ગામ ખાતે રહેતા ૪૩ વર્ષના પ્રગતિશીલ ખેડૂત હિરેનભાઈ પંડ્યાએ પોતાની લગભગ ૧૫ વિંઘા જમીનમાં આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન હેઠળ વર્ષ-૨૦૨૦ થી પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી હતી.
તેઓ લીલી શાકભાજી જેવા કે દિવેલિયા, ગલકા, રીંગણ અને ફ્લાવરની ખેતી કરી રહ્યા છે સાથે જ ફળના પાકો કેળા, દેશી સીતાફળ, ગોલ્ડન સીતાફળ, રામફળ, સ્ટારફ્રૂટ (કમરખ), ચીકુ અને રાયણની ખેતી કરી છે. પ્રગતિશીલ ખેડૂતે હાલ સફરજન ઉગાડવાનો પ્રયત્ન કરીઓ છે. કુલ ૧૫ થી વધારે પાકોનું પ્રાકૃતિક ખેત પદ્ધતિથી વાવેતર કર્યું છે. જેમાં તેઓ જીવામૃત ટપક પધ્ધતિથી આપે છે અને જીવંત આચ્છાદાન કરે છે.પ્રગતિશીલ ખેડૂત હિરેનભાઈ પંડ્યા જણાવી રહ્યા છે કે,ગાય આધારિત ખેતી કરવી જોઈએ.જેથી લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થાય. તેઓ વધુમાં ઉમેરે છે કે એક ગાય લગભગ ૧૫ વિંઘા જેટલી જમીન પર ખેતી કરી શકે છે. ગૌમૂત્રનો ઉપયોગ દવા તરીકે કરીને પાકને ગુણવત્તાવાળો બનાવે છે અને જીવામૃતથી પાકનું સંરક્ષણ કરે છે. ગાયના ગોબરમાંથી દીવા, ધૂપિયા અને હવન માટેનું બળતણ પણ બનાવે છે, જેનાથી રોજગારીનો એક નવો માધ્યમ પણ મળે છે.હિરેનભાઈના ખેતરમાં આઠ પ્રકારના આંબાનું વાવેતર કરેલ છે. જેમાં બ્લેક મેંગો,હાફૂસ,સોનપરી, ચોરસા, તોતાપુરી, લંગડો, રાજાપુરી અને કરંજીનો સમાવેશ થાય છે. ખાસ કરીને કરંજી આંબાની કેરીઓ મોડી ઉગે છે, વધુ સોડમ ધરાવે છે અને લાંબા સમય સુધી તાજી રહે છે.
હિરેનભાઈ ગીર ગાય આધારિત ખેતી કરી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિ કરવાથી જમીનમાં અળસિયાની સંખ્યા વધી છે. જેથી જમીનની ભેજ ધારણશક્તિ વધવાના કારણે પિયતની સંખ્યા પણ ઘટી છે. રાજય સરકારની ખેતી આધારિત યોજનાઓનો પણ સમયાંતરે લાભ મળી રહ્યો છે. જેને લઈને પ્રાકૃતિક ખેતી વધુ સરળ બની છે. આજના આધુનિક યુગમાં જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું છે. દવાઓના બેફામ ઉપયોગના કારણે બિમારીઓ દિન-પ્રતિદિન વધી રહી છે ત્યારે સારા સ્વાસ્થ્ય માટે દરેક ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ.મહત્વનું છે કે,ગાયો પ્રત્યે લાગણી વ્યક્ત કરતા તેઓ કહે છે કે ગાયો સાથે બેસવાથી એક અનોખી આત્મીયતા બંધાઈ જાય છે. ગાય આધારિત ખેતી કરવાથી મને આત્મસંતોષ મળી રહ્યો છે કે મેં અને મારો પરિવાર શુધ્ધ આહાર લઈ રહ્યા છે. સરકારે જ્યારે મીશન મોડ પર પ્રાકૃતિક ખેતીના અભિયાનને ઉપાડયું છે ત્યારે રાજ્યના અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે. ખેડુતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે તેમને તાલીમ પણ આપવામાં આવી રહી છે. જેના સુખદ પરિણામ મળી રહ્યા છે.
Reporter: admin