News Portal...

Breaking News :

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: એક મહિનામાં 12 બાળકોના મોત, 3 કેસ પોઝિટિવની પુષ્ટિ

2026-07-14 10:19:29
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: એક મહિનામાં 12 બાળકોના મોત, 3 કેસ પોઝિટિવની પુષ્ટિ

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને ચિંતા વધી રહી છે. છેલ્લા એક મહિનામાં રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણની આશંકા વચ્ચે 12 બાળકોના મોત થયા છે. જેમાંથી ત્રણ બાળકોના મોત ચાંદીપુરા વાયરસથી થયા હોવાનું રાજ્ય સરકારે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે. બાકીના નવ બાળકોના મોત પણ આ જ વાયરસથી થયા હોવાની શંકા છે, જોકે તેમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના કારણે ત્રણ બાળકોના મોતની પુષ્ટિ થઈ છે. જેમાં ગોધરાના બે અને રાજસ્થાનના એક બાળકનું હિંમતનગરમાં સારવાર દરમિયાન મોત થયું હતું. અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ, ફોગિંગ અને અન્ય નિયંત્રણાત્મક પગલાં શરૂ કરવામાં આવ્યા છે.


રાજ્યમાં અત્યાર સુધી 27 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ તપાસ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 19 સેમ્પલની તપાસ પૂર્ણ થઈ છે. આમાંથી 7 કેસ પોઝિટિવ નોંધાયા છે. પોઝિટિવ આવેલા સાત બાળકોમાંથી ત્રણના મોત થયા છે, જ્યારે ચાર બાળકો હાલ સારવાર હેઠળ છે. બાકીના આઠ સેમ્પલના રિપોર્ટ હજુ બાકી છે.

પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના 13 શંકાસ્પદ કેસ નોંધાયા છે. ગોધરા સિવિલ હોસ્પિટલમાં પાંચ બાળકો સારવાર હેઠળ છે અને તેમના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. મહિસાગર જિલ્લાના એક બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે.


આ ઉપરાંત પંચમહાલ જિલ્લાના ત્રણ બાળકોની વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમની સ્થિતિ હાલ સ્થિર હોવાનું જણાવાયું છે અને તેમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. એક બાળકને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.


આરોગ્ય વિભાગે લોકોને ગંદકીથી દૂર રહેવા, મચ્છર અને રેતીમાખી (Sand Fly)ના પ્રજનન સ્થળો નષ્ટ કરવા તથા બાળકોમાં તાવ, ઊલટી, બેભાન થવા અથવા ખેંચ આવવા જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરવાની અપીલ કરી છે.

Reporter: admin

Related Post