News Portal...

Breaking News :

ગોરવામાં રૂ.22.58 લાખનો કફ સિરપ ઝડપાયો, એક વોન્ટેડ

2026-08-15 11:16:55
ગોરવામાં રૂ.22.58 લાખનો કફ સિરપ ઝડપાયો, એક વોન્ટેડ

વડોદરા શહેર એસઓજીની ટીમે ગોરવા આઇટીઆઇ રોડ પર પ્રમુખ ફ્લેટ્સની દુકાનમાં દરોડો પાડી પ્રતિબંધિત અને નશાકારક કફ સિરપની 1,920 બોટલનો રૂ.22.58 લાખનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ અશોકસિંહને મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.


એસઓજીની ટીમ ગોરવા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે યુવરાજસિંહ અશોકસિંહને બાતમીદાર મારફતે માહિતી મળી હતી કે પ્રમુખ ફ્લેટ્સના ગ્રાઉન્ડ ફ્લોરની બંધ દુકાન નંબર-5માં કોડીન કફ સિરપનો જથ્થો રાખવામાં આવ્યો છે. બાતમીના આધારે ટીમે દુકાનમાં તપાસ કરતાં ખાખી રંગના બોક્સમાંથી પ્રવાહી ભરેલી સીલબંધ કફ સિરપની બોટલો મળી આવી હતી.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી તથા એફએસએલ અધિકારીની હાજરીમાં તપાસ કરાતા આ જથ્થો પ્રતિબંધિત અને નશાકારક કફ સિરપનો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે Codeine Phosphate & Triprolidine Hydrochloride Syrupની 1,920 બોટલ મળી કુલ રૂ.22,58,880નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ તપાસમાં દુકાનનો કબજેદાર અને સાઇ લાઇફ સાયન્સનો માલિક આકાશસિંહ રાજેશસિંહ ઠાકુરે હિમાચલ પ્રદેશમાંથી કફ સિરપ મંગાવી દુકાનમાં રાખ્યો હોવાનું સામે આવ્યું છે. દરોડા સમયે આકાશસિંહ હાજર ન હોવાથી તેને વોન્ટેડ જાહેર કરાયો છે. ગોરવા પોલીસે એનડીપીએસ એક્ટની કલમ 8(સી), 21(સી) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Reporter: admin

Related Post