News Portal...

Breaking News :

આજવા સરોવરના 62 દરવાજાના ગેટ મેન્ટેનન્સ કરવાની કામગીરી પૂર્ણ

2025-05-27 20:11:16
આજવા સરોવરના 62 દરવાજાના ગેટ મેન્ટેનન્સ કરવાની કામગીરી પૂર્ણ



વડોદરા:  આજવા સરોવરના 62 દરવાજાના ગેટના મેન્ટેનન્સ કરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. દર વર્ષે ચોમાસા પૂર્વે કરવામાં આવતી મેન્ટેનન્સની મોટાભાગની કામગીરી છેલ્લા એકાદ મહિનાથી ચાલતી હતી. 62 દરવાજાના ગોળા બહાર કાઢવા, લેવલીંગ કરવું, દરવાજા સેટીંગ કરવા, કલર કામ કરવું, ગ્રેફાઇટ પાવડરનું કોટિંગ કરવું વગેરે કાર્ય મેન્ટેનન્સની કામગીરીના ભાગરૂપે કરવામાં આવે છે. વડોદરા શહેરને પીવાનું પાણી પૂરું પાડતાં ઐતિહાસિક આજવા સરોવર જ્યારે ઓવરફ્લો થાય છે, ત્યારે તેનું પાણી આ 62 દરવાજામાંથી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવે છે.



આજવા સરોવરના પાણી માટે દરવાજાનું લેવલ સેટ કરવામાં આવે છે. પરંતુ વરસાદ અને તંત્રની મળતી સૂચનાના આધારે લેવલમાં ફેરફાર કરવામાં આવતો હોય છે. આ તમામ દરવાજા એકદમ સરળતાથી ચાલે તે માટે ઓઇલિંગ કરવા ઉપરાંત તેની મજબૂત લોખંડની સાંકળ તેમજ પુલી વગેરેને કાટ લાગે નહીં તે માટે ગ્રેફાઇટ પાઉડર પણ ઘસવામાં આવે છે ,અને આ કામગીરી કર્મચારીઓ મેન્યુઅલી કરે છે. આની સાથે સાથે આજવાના ઉપરવાસ પ્રતાપપુરાના ગેટ, ઉજેટી અને જોડિયાના ગેટનું પણ મેન્ટેનન્સ કાર્ય દર વર્ષની માફક કરવામાં આવ્યું છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે 62 દરવાજાની ટેકનોલોજી ગાયકવાડી શાસન વખતની છે. 


હજુ અઠવાડિયા પહેલા જ મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓ સાથે આજવા સરોવર અને 62 દરવાજાની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું. પ્રથમ વરસાદ પડ્યા બાદ તેમજ ધૂળ અને કચરો ઉડેલો હોવાથી દરવાજાની ફરી સફાઈ કરી પુનઃ ઓઇલિંગ કરવામાં આવે છે જેથી કરીને તેને ખોલ બંધ કરવામાં કોઈ તકલીફ ન રહે.

Reporter: admin

Related Post