પરિવારના સભ્યોની વાત ન માનવા પર તેને પરિવારથી સમગ્ર રીતે અલગ કરી દેવાશે : HD દેવગૌડા
પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાએ સેક્સ સ્કેન્ડલ માં સંડોવાયેલા તેમના પૌત્ર 'પ્રજ્વલ રેવન્નાને મારી ચેતવણી' શીર્ષક સાથે બે પાનાનો ચેતવણી પત્ર'X' પર લખ્યો છે. તે પત્રમાં તેમણે લખ્યું છે કે, "ગત કેટલાક અઠવાડિયામાં લોકોએ મારા અને મારા પરિવાર વિરૂદ્ધ સૌથી આકરા શબ્દોનો ઉપયોગ કર્યો છે. હું લોકોને એ પણ નથી સમજાવી શકતો કે હું પ્રજ્વલની ગતિવિધિઓ અંગે કંઈ જાણતો ન હતો. હું તેમને એ પણ નથી સમજાવી શકતો કે હું તેને બચાવવાના પ્રયાસ નથી કરી રહ્યો. મને તેમની વિદેશ યાત્રા અંગે કંઈ ખબર નથી. હું મારા અંતરઆત્માનો અવાજ સાંભળવામાં વિશ્વાસ રાખું છું. હું ઈશ્વરમાં વિશ્વાસ રાખું છું અને હું જાણું છું કે ભગવાન તમામ સત્ય જાણે છે."
આશરે એક મહિના પહેલા દેશ છોડીને ભાગેલા પ્રજ્વલ રેવન્નાને ચેતવણી આપતા એચડી દેવગૌડાએ કહ્યું હતું કે, "જો પ્રજ્વલને પોતાના દાદા પ્રત્યે જરા પણ સન્માન હોય તો તેઓ પરત આવી જાય. હું માત્ર એક કામ કરી શકું છું. હું પ્રજ્વલને કડક ચેતવણી આપી શકું છું. જ્યાં પણ છે તેને પરત આવીને પોલીસની સામે આત્મસમર્પણ કરવા માટે કહી શકું છું. આ કોઈ અપીલ નથી જે હું કરી રહ્યો છું, આ એક ચેતવણી છે."
દેવગૌડાએ પ્રજ્વલને એમ પણ કહ્યું કે, "પરિવારના સભ્યોની વાત ન માનવા પર તેને પરિવારથી સમગ્ર રીતે અલગ કરી દેવાશે. જો પ્રજ્વલે આ ચેતવણી પર ધ્યાન ન આપ્યું તો તેને મારા અને પોતાના પરિવારના તમામ સભ્યોના ગુસ્સાનો સામનો કરવો પડશે."
Reporter: News Plus