વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળવાના કારણે ઉદ્દભવેલી સ્થિતિને લઇને આપત્તિગસ્તોના બચાવ અને રાહતની કામગીરી માટે સમગ્ર તંત્ર રાતદિન એક કરી રહ્યું છે.
આવી કપરી સ્થિતિમાં લોકોને ફૂડ પેકેટ અને પીવાનું પાણી મળી રહે એ માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગઇ કાલે એક લાખ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજ ગુરુવારે પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.ફૂડ પેકેટ વિતરણનું સંકલન કરતા જિલ્લા પુરવઠા અધિકારી ગીતા દેસાઇએ જણાવ્યું કે, વડોદરા જિલ્લા પ્રશાસનને આણંદથી ૧૮ હજાર પાણીની બોટલ અને ૧૦ હજાર ફૂડ પેકેટ મળ્યા હતા. આજ ગુરુવારે પણ પાંચ હજાર પાણીની બોટલ તથા પાંચ હજાર ફૂડ પેકેટ આણંદથી આવ્યા છે. ખેડાથી ૧૦ ફૂડ પેકેટ અને ૮ હજાર પાણીની બોટલ, અમદાવાદથી ૨૫ હજાર ફૂડ પેકેટ અને ૨૫ હજાર પાણીની બોટલ મળી હતી.
સુરતથી એક લાખ ફૂડ પેકેટ અને ૨૫ હજાર પાણીની બોટલનો જથ્થો મળ્યો છે. સ્વામિનારાયણ મંદિર સંસ્થાઓ, રાધા સ્વામિ સત્સંગ મંડળ સહિતની સંસ્થાઓ દ્વારા નાગરિકોને મદદ કરવામાં આવી રહી છે.તેમણે જણાવ્યું કે, આ ઉપરાંત ડભોઇ, શિનોર, કરજણ, સાવલી, ડેસર, વાઘોડિયા સહિતના તાલુકામાંથી પણ વડોદરા શહેરને મદદ મળી છે. વિશેષતઃ અનેક સામાજિક સંસ્થાઓ પોતાની રીતે પણ ભોજન અને પાણીનું વિતરણ કરી રહી છે.જિલ્લા વહીવટી તંત્રને મળેલી આ રાહત સામગ્રી વડોદરા મહાપાલિકાને આપીને વિતરણ કરાવવામાં આવે છે. કેટલાક સ્થળે એરફોર્સના હેલીકોપ્ટરમાંથી પણ પાણી અને ફૂડ પેકેટ ડ્રોપ કરવામાં આવ્યા છે. આમ, વડોદરા શહેરમાં આવી પડેલી આપત્તિમાં નાગરિકોને મદદ કરવા સમગ્ર તંત્ર તનતોડ મહેનત કરી રહ્યું છે.
Reporter: admin