સ્માર્ટ મીટર કાઢી અમને જુના મીટર પરત આપો તેવી માગ શહેરમાં સ્માર્ટ મીટર અંગેનો વિરોધ દિવસે ને દિવસે ખુબ વધી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટ મીટર અંગે નિર્ણય લેવાયા બાદ પણ તેનો વિરોધ શમવાનું નામ નથી લેતો ત્યારે સોમવારે શહેરના સુભાનપુરા વીજ કચેરી ખાતે સ્માર્ટ મીટરનું બેસણું યોજવામાં આવ્યું હતું.
અલગ અલગ વિસ્તારના લોકોએ ત્યાં આવી રામધૂન બોલાવી હતી. શહેરમાં અનેક સ્થળોએ સ્માર્ટ મીટર લાગી ગયા છે અને તેનું બિલ વધુ આવતું હોવાની ફરિયાદો બાદ તેનો વિરોધ પ્રચંડ બન્યો છે.સ્માર્ટ મીટર મુદ્દે રાજ્ય સરકારે પણ નિર્ણય લીધો છે અને સ્માર્ટ મીટરની સાથે જૂનું મીટર લગાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ જ્યાં મીટર લાગેલા છે તેઓ આ મીટર કાઢી લેવા માટેની રજૂઆત કરી રહ્યા છે. સોમવારે શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી વીજ કંપનીની કચેરી ખાતે શહેરના વિવિધ વિસ્તારમાંથી વીજ ગ્રાહકો આવ્યા હતા. અને કચેરી ખાતે સ્માર્ટ મીટરનું બેસણું યોજ્યું હતું. એમાં આદમી પાર્ટીના કાર્યકરો પણ આ વિરોધમાં જોડાયા હતા. કચેરી ખાતે જ સ્માર્ટ મીટરનો ફોટો મૂકી રહીશોએ રામધૂન કરી પોતાનો અવાજ તંત્ર સુધી પહોંચાડવાની કોશિશ કરી હતી. રહીશો માત્ર એક જ વાત કરી રહ્યા છે કે અમારે સ્માર્ટ મીટર નથી જોઈતા અને અમને અમારા જુના મીટર પાછા આપો.
Reporter: News Plus