દિલ્હીમાં સાઇબર ઠગાઈનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ફર્જી NIA અને ATS અધિકારીઓએ 74 વર્ષીય નિવૃત્ત રેલવે કર્મચારીને લાલ કિલ્લા નજીક થયેલા ધમાકા માટે ફંડિંગ કરવાનો આરોપ લગાવીને ડરાવ્યો હતો. ત્યારબાદ ઠગોએ વૃદ્ધ વ્યક્તિ અને તેમની પત્નીને સાત દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’માં રાખી તેમની જીવનભરની બચતના 30 લાખ રૂપિયા ઠગી લીધા.
પોલીસના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે 23 નવેમ્બરે વૃદ્ધ વ્યક્તિ એક સંબંધીના લગ્નમાં જવાની તૈયારી કરી રહ્યા હતા. તે દરમિયાન સાંજે લગભગ 4 વાગ્યે તેમને ફોન આવ્યો. ફોન કરનારે પોતાને NIA અધિકારી ગણાવીને કહ્યું કે તેમના બેંક ખાતાનો ઉપયોગ આતંકવાદીઓને નાણાં મોકલવા માટે કરવામાં આવ્યો છે અને તેઓ લાલ કિલ્લા પર થયેલા હુમલાની ફંડિંગ સાથે સંકળાયેલા છે.
આ આરોપથી વૃદ્ધ દંપતી ગભરાઈ ગયું. ઠગોએ તપાસના નામે તેમને સતત ફોન અને વીડિયો કોલ દ્વારા પોતાના નિયંત્રણમાં રાખ્યા. સાત દિવસ દરમિયાન અલગ-અલગ પ્રક્રિયાના નામે તેમની પાસેથી 30 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા.
બાદમાં દંપતીને જાણવા મળ્યું કે ફોન કરનારા NIA કે ATSના અધિકારીઓ નહીં, પરંતુ સાઇબર ઠગ હતા. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે અને આરોપીઓની ઓળખના પ્રયાસો હાથ ધર્યા છે.
Reporter: admin







