News Portal...

Breaking News :

"હું પત્રકાર છું, હું એક્ટિવિસ્ટ છું" કહી તાયફા કરનાર ઠગ યુવક પોલીસના સકંજામાં.

2026-07-14 12:10:51

વડોદરા શહેરમાં સોશિયલ મીડિયા પર બનાવટી ઓળખ ઊભી કરી લોકોને ગેરમાર્ગે દોરવાનો અને પોલીસ સાથે પણ ઉદ્ધતાઈભરી રીતે ખોટી હકીકતો રજૂ કરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.


પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ફતેપુરા વિસ્તારના વારસિયા રિંગ રોડ પર રહેતા કરણ સુરેશ જસવાણી (ઉ.વ.૨૮) નામના આરોપીએ પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડી "ind.karanjaswani.kj" ઉપર પોતાની જાતને પત્રકાર, "સેવ મણિપુર" ઝુંબેશ સાથે જોડાયેલ સોશિયલ વર્કર, એક્ટિવિસ્ટ અને ઇન્ડિપેન્ડન્ટ જર્નાલિસ્ટ તરીકે ખોટી રીતે ઓળખાવી લોકોમાં ખ્યાતિ મેળવવાનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું છે.

આટલેથી ન અટકતાં, આરોપીએ પોલીસને ફોન કરી પોતાને યુનિયન લીડર અને પત્રકાર હોવાની જુઠ્ઠી માહિતી આપી હોવાનો પણ આક્ષેપ છે. વધુમાં, ઇન્સ્ટાગ્રામ પર વીડિયો મૂકી લોકોને સીધા પાણીગેટ પોલીસ સ્ટેશન આવવાનું આહવાન આપી ટોળા ભેગું કરવાની અને ઉશ્કેરણી ફેલાવવાની પણ ફરિયાદમાં નોંધ લેવાઈ છે.


આ સમગ્ર મામલે પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સત વી.એસ. દેસાઇની ફરિયાદના આધારે તા.૧૨/૦૭/૨૦૨૬ના રોજ કલાક ૧૯:૫૦ વાગ્યે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૧૯ અને ૨૧૬ મુજબ ગુનો (ગુ.ર.નં. ૧૧૧૯૬૦૧૭૨૬૦૩૭૯/૨૦૨૬) દાખલ કરવામાં આવ્યો છે. બનાવ તા.૧૨/૦૭/૨૦૨૬ના રોજ કલાક ૦૨:૦૦ વાગ્યાના અરસામાં પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે જ બન્યો હોવાનું નોંધાયું છે.

હાલ આ ગુનાની તપાસ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ અજુભાએ પોતાના હસ્તક લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, બનાવટી ઓળખ ઊભી કરી જાહેર જનતા તેમજ પોલીસ તંત્રને ગેરમાર્ગે દોરવાના આ પ્રયાસને ગંભીરતાથી લેવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.

Reporter:

Related Post