શાળાઓ ખુલતાની સાથે વાન ના ભાડામાં નોટબુક અને સ્ટેશનરીમાં અને ગણવેશની કિંમતોમાં ભાવ વધારો સૌ થી વધુ મઘ્યમ વર્ગને મુંઝવશે...
સમાજમાં મઘ્યમ વર્ગ એ ઉચ્ચ અને નિમ્ન ની વચ્ચે નો વર્ગ છે.પરિવારમાં મોટા દીકરા અને સૌ થી નાના દીકરાને વધુ પ્રેમ મળે છે અને વચલા છોકરાને ઓછા લાડપાન થાય છે.એવું જ મઘ્યમ વર્ગનું પણ છે. સરકારનો ખૂબ ઓછો સધિયારો આ વર્ગને મળે છે.વર્ષનો પ્રત્યેક મહિનો આ વર્ગ માટે એક નવી આર્થિક મુસીબત લઈને આવે છે.હવે શાળાઓ શરૂ થવાની છે.સ્કૂલ વાનોના ભાડામાં વધારો થયો છે.નોટબુક અને સ્ટેશનરી, ગણવેશ,બૂટ, મોજા,તમામમાં ભાવ વધારો નિશ્ચિત છે.અને તેની સૌ થી વધુ અને સૌ થી મોટી પીડા મઘ્યમ વર્ગે ભોગવવાની છે કારણ કે આ વર્ગ સૌ થી ઓછો લાડકો હોય એવો વર્ગ છે.મોદી ૩ નો મંગળ પ્રારંભ વડાપ્રધાનશ્રી એ કિસાન સન્માન નિધિના લાભના ખેડૂતો ને વિતરણ થી કર્યો.સારી વાત છે ખેડૂત જગતનો તાત છે.એને ટેકો આપવો સરકાર અને સમાજની ફરજ છે.પરંતુ દેશમાં એક એવો વર્ગ છે જેને કોઈ ટેકો આપતું નથી.એના માટે કોઈ કલ્યાણ યોજના નથી. એ ગરીબી રેખાની તો ઉપર છે પણ બે છેડા ભેગા કરતાં એનો દમ નીકળી જાય છે.આવો વર્ગ છે મધ્યમ વર્ગ. એ ખૂબ સમર્પિત મતદાર છે,વફાદાર વોટ બેન્ક છે.તડકો વેઠીને એ મત આપવા નીકળે છે.એના માટે કોઈ યોજના નથી છતાં એને જેની રાજનીતિ ગમે છે એના માટે એ સમર્પિત છે.૮૦ કરોડ ગરીબોને મફત અનાજ મળે છે. આયુષ્માન હેઠળ મફત સારવાર મળે છે.ઉચ્ચ વર્ગને પૂરતી આવક છે.એમના વેપાર ઉદ્યોગને આગળ વધારવા અને પ્રોત્સાહક યોજનાઓ છે.એક મધ્યમ વર્ગ એવો છે જેનું કોઈ નથી.જેના માટે કશું નથી.એ માસિક રૂ.૨૦ થી ૫૦ હજારની નોકરી કરે છે.તેના થી થતી વાર્ષિક આવક એને માલેતુજાર બનાવતી નથી.અને એની ગરીબમાં ગણના થતી નથી.૩૦ થી ૪૦ હજારનો ખર્ચ સારવાર માટે કરવો પડે એવી માંદગી આવે,તેજસ્વી સંતાન સારા ટકા લાવે પણ સરકારી ક્વોટામાં પ્રવેશ માટે ટકા પૂરતા ન હોય અને એ ખાનગી શિક્ષણ સંસ્થામાં ઉજ્જવળ ભવિષ્ય માટે સંતાનને ભણાવવા ઈચ્છે તો ફી ની રકમ એના હોંસકોસ ઉડાડી દે છે.ગુજરાત સરકાર થોડી ઉદાર છે. એ વાર્ષિક રૂ.૫ લાખની આવક સુધી( સિનિયર સિટીઝન માટે રૂ.૬ લાખ) આયુષ્માન યોજના હેઠળ મફત સારવારનો લાભ આપે છે.દેશના અન્ય રાજ્યોમાં ફક્ત રૂ.૩ લાખ વાર્ષિક આવક જ માન્ય છે.
પણ હકીકત એવી છે કે વાર્ષિક રૂ.૧૦ લાખની આવક હોય એમને પણ એક મોટી માંદગી સારવારના જંગી ખર્ચના બોજ હેઠળ બેહાલ કરવા માટે પૂરતી છે.એટલે સાહેબ હવે મધ્યમ વર્ગ સન્માન નિધિ અને એમને માટે સમાજ સુરક્ષા યોજનાઓ શરૂ કરવાની જરૂર છે.આખા કુટુંબના સામૂહિક આપઘાતના જે કિસ્સા બને છે એ મોટેભાગે મધ્યમ વર્ગના પરિવારોમાં અને બહુધા આર્થિક મૂંઝવણ થી બને છે.દેશના કેટલાક રાજ્યોમાં તેની શરૂઆત થઈ છે.રાહુલ ગાંધીએ રૂ.૮૫૦૦ બહેનોના ખાતામાં જમા કરવાનું જે વચન આપ્યું હતું તે આ પ્રકારનું આયોજન ગણાય.મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ની લાડલી બહેના યોજના કદાચ આ વર્ગને જ વધુ ગમી હતી. ગુજરાત સરકારે પણ આયુષ્માન નો લાભ રૂ.૮ લાખની વાર્ષિક આવક મર્યાદા સુધી આપવાની જરૂર છે.એવું કરશે તો રાજ્ય સરકારને ખૂબ આશીર્વાદ મળશે. ખરેખર તો રૂ.૮ કે ૧૦ લાખની વાર્ષિક આવકને આવકવેરા મુક્તિની મર્યાદા બનાવવાની જરૂર છે.સરકારના મનમાં આવો ઉદાર વિચાર આવતો જ નથી.કોઈ સન્માન નિધીનો લાભ મધ્યમ વર્ગને આપો કે ના આપો,એમનું જીવન સરળ બને એવું કશુંક અવશ્ય કરો.એમને મફત અનાજ ના આપી શકો તો કોઈ વાંધો નથી પરંતુ એમને બે કે ચાર રૂપિયે કિલોના ભાવે થોડુંક અનાજ,ખાંડ,તેલનો લાભ તો આપો.થોડી મદદ એમના માટે મોટી રાહતનો સ્ત્રોત બનશે.સામાજિક સુરક્ષા સાર્વત્રિક સુલભ બનાવવાની જરૂર છે.મોદી સાહેબે ૭૦ વર્ષની ઉંમરથી આયુષ્માન નો લાભ આવક મર્યાદાના બાધ વગર આપવાનું ચુંટણી વચન આપ્યું જ છે.આ એ દિશાનું કદાચ પહેલું કદમ છે.સન્માન થી જીવવાનો મધ્યમ વર્ગને અધિકાર છે જ.નવી સરકાર એ દિશામાં વધુ પહેલો કરે એ ઇચ્છનીય છે...
Reporter: News Plus