દિવ્યાંગ ઉધોગ સાહસિકો તથા હસ્તકલા કારીગરોને પ્રોત્સાહન પૂરું પાડવાના ઉદ્દેશ્યથી વડોદરા શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે તા. ૧૯/૦૧/૨૦૨૫ સુધી દિવ્ય કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મેળામાં નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર, વડોદરા ખાતેથી ટ્રેનિંગ મેળવીને લાઈવ ડ્રેસ મેકિંગ થકી પગભર બનવાની પ્રેરણા મેળવનાર પૂનમ મારવાડીએ સ્ટોલ લઈને આવ્યા છે.અકોટા સ્ટેડિયમમાં દિવ્ય કલા મેળાની મુલાકાતે જાઓ એટલે પૂનમ મારવાડીના લાઈવ ડ્રેસ મેકીંગ સ્ટોલ નં. ૪૬ પરથી ડ્રેસ મટીરીયલ ખરીદો અને તમે દિવ્ય કલા મેળામાં ફરીને આવો ત્યાં સુધીમાં પૂનમબેન તમે કહો તેવી ડિઝાઈનના ડ્રેસ બનાવી આપે છે. તેમના સ્ટોલ પર અલગ અલગ ડિઝાઈન અને કાપડના ડ્રેસ મટીરીયલ મળે છે અને ત્યાં જ નેશનલ સર્વિસ સેન્ટરની દિવ્યાંગ બહેનો સતત સિલાઈ મશીન પર કામ કરતી હોય.

દિવ્ય કલા મેળાનાં સ્ટોલ ધારક પૂનમબેન મારવાડી જણાવે છે કે તેમને નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર, વડોદરા ખાતેથી સિલાઈ કામનો ડિપ્લોમા કોર્સ અને ટ્રેનિંગ મેળવી છે. તેમને ભવિષ્યમાં પોતાનું બ્યુટિક ઉભુ કરવું છે. આ સાથે પોતાના આ વ્યવસાયને આગળ વધારવા માટે રૂપિયા એક લાખની લોન પણ મળી છે. પોતાના સપનાને સાકાર કરવા માટે સરકાર દ્વારા આયોજિત આ દિવ્ય કલા મેળા વિશે જણાવતાં પૂનમબેન જણાવે છે કે દિવ્યાંગોના પ્રોત્સાહન માટે યોજાયેલા આ મેળામાં મુલાકાતીઓનો ખુબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો તેમના કામથી પ્રભાવિત થઈને તેમનો સંપર્ક નંબર લઈને આ મેળા બાદ પણ તેમનો સંપર્ક કરી સેવા મેળવવામાં રસ બતાવી રહ્યા છે. આમ, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ 'દિવ્યાંગો શું કરી શકે !? 'એ પ્રશ્નને 'દિવ્યાંગો શું ન કરી શકે !?' તેમ ચરિતાર્થ થતું જોવા માટે વડોદરામાં યોજાયેલ રાજ્યના ત્રીજા દિવ્ય કલા મેળાની તમામ વડોદરાવાસી અવશ્ય મુલાકાત લેવી જોઈએ.
Reporter: admin