ધોરણ 8 પાસ શખ્સ બોગસ પેઢીઓ ખોલીને બોગસ બેંક ખાતા બનાવતો હતો
વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે પ્રમાણે આરોપીએ ખોટી ઓળખ આપીને સીનીયર સીટીઝનનું આધારકાર્ડ મની લોન્ડરિંગમાં વપરાયું હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ સાયબર માફિયાઓએ બેંક સહિતની વિગતો મેળવી હતી અને ડિજીટલ અરેસ્ટનો પ્લાન ઘડીને સીનીયર સીટીઝન પાસેથી અલગ અલગ ખાતામાંથી 23 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ મામલે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાયા બાદ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ એક્શનમાં આવી હતી. ટેક્નિકલ તથા હ્યુમન રિસોર્સના આધારે તપાસ હાથ ધરી આરોપીની મહારાષ્ટ્રમાંથી ધરપકડ કરવામાં આવી હતી. વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ આપી હતી કે, તેઓને અજાણ્યા નંબર પરથી પોલીસ તરીકે ખોટી ઓળખ આપી ફોન આવ્યો હતો અને ફરિયાદીનું આધારકાર્ડ મની લોન્ડરિંગમાં વપરાયુ હોવાનું જણાવ્યું હતું, ત્યારબાદ ઇસમોએ સીનીયર સીટીઝનને જણાવ્યું હતું કે, તેઓને દિલ્હી સાયબર ક્રાઇમ પોલીસમાંથી ફોન કોલ આવશે. જેમાં ફરિયાદીને જણાવ્યું હતું કે, તેઓને મની લોન્ડરિંગના 1,00,000 રૂપિયા કેશ તથા તેઓને 10% રકમ મળી છે તેમજ તેઓનુ બેંક એસેટ ચેક કરશે, ત્યારબાદ ફરિયાદી પાસે વ્હોટ્સએપ વીડિયો કોલ કરી નિવેદન લીધું હતું અને તેઓના બેંક એકાઉન્ટ અંગે તમામ માહિતી લીધી હતી. આ ઇસમોએ સીનીયર સીટીઝનને જણાવ્યું હતું કે, આ બાબત ફરિયાદી સાબિત ન કરે, ત્યાં સુધી તેના બેંક બેલેન્સ, એફ.ડી, શેર બધુ ઇસમોને સોપવું પડશે અને ફરિયાદી હકીકત સાબિત કર્યા બાદ પરત કરશે અને આમ ન કરે તો તેઓના ઘરે પોલીસ આવીને ધરપકડ કરશે. આમ, અલગ અલગ બહાના હેઠળ ફરિયાદીને ડરાવ્યો હતો અને કહ્યું હતું કે, જ્યાં સુધી આ ઈન્વેસ્ટીગેશન ચાલશે ત્યાં સુધી ફરિયાદીના ખાતામાં જેટલા રૂપિયા છે તે સામાવાળાના ખાતામાં જમા કરાવવા કહીં તેમની પાસેથી 23 લાખ રૂપિયા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતાં.ત્યારબાદ તેના વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કૌભાંડમાં તેની મોટી ભૂમિકા છે. આરોપી મહેન્દ્ર (ઉં. 22) એ ધો. 8 સુધીનો અભ્યાસ કર્યો છે. તે બેંક ખાતાનો સપ્લાયર છે. તે બેંક ખાતા ખોલતો અને વતનમાંથી અન્ય ઇસમોને બોલાવીને ખોલાવતો હતો. જુદા જુદા શહેરોમાં એક-બે મહિના માટે ભાડે દુકાનો ખરીદીને ડમી પેઢીઓ ઉભી કરવામાં આવતી હતી. ત્યાર બાદ આ પેઢીઓના એકાઉન્ટ ખોલવામાં આવતા હતા. વડોદરામાં તેણે આ પ્રકારે 5થી વધુ બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા. તેમજ તેણે અત્યાર સુધીમાં 15 બેંક ખાતાઓ ખોલાવીને તેનો સપ્લાય કરીને નાણાં ઉપાડીને આર્થિક લાભ મેળવ્યો હતો.
23 લાખ રૂપિયાના ફ્રોડમાંથી 18,86,000 રૂપિયા ફરિયાદીને રિફંડ અપાવ્યા...
તેના બેંક એકાઉન્ટમાં 10થી વધુ ફરિયાદો આવી છે. તેનું ટર્નઓવર રૂ. 50 લાખથી વધુનું થયાનું જણાયું હતું. અગાઉ આરોપી બેંક ખાતાની કિટ અને સિમકાર્ડ સપ્લાય કરતો હતો. આરોપી પાસેથી લેપટોપ, મોબાઇલ, ચેકબુક, પાસબુક, ડેબીટ-ક્રેડિટ કાર્ટ, રબર સ્ટેમ્પ તથા અન્ય દસ્તાવેજો જમા કરવામાં આવ્યા છે. આ ગુનામાં વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ટેકનીકલ એનાલીસીસ અને મનીટ્રેલ આધારે 23 લાખ રૂપિયાના ફ્રોડમાંથી 18,86,000 રૂપિયા ફરિયાદીને રિફંડ અપાવ્યા છે.
આટલી સાવચેતી રાખો...
•પોલીસ ક્યારેય કોઇની ડિજીટલ એરેસ્ટ કરતી નથી. અજાણ્યા નંબર પરથી આવતા કુરિયર અંગેના કોલની ખરાઈ કરીને જ આગળ વધવું.જો આપ કોઈપણ સાઇબર ક્રાઈમના ભોગ બન્યા હોય તો નજીકના પોલીસ સ્ટેશન કે સાયબર ક્રાઈમનો સંપર્ક કરો અથવા હેલ્પલાઈન નંબર 1930 પર ફોન કરવો. પોતાનું બેન્ક ખાતું કે સીમકાર્ડ કોઈપણ વ્યક્તિને કોઈપણ બહાને કે લાલચમાં આવીને વાપરવા આપવા જોઈએ નહીં, તેના ગેરકાયદેસરના ઉપયોગ માટે તમે કાયદેસર જવાબદાર બનો છો
Reporter: