નવી દિલ્હી : TMC સાંસદ મહુવા મોઇત્રા હવે ફરી એક નવા કેસમાં ફસાયા છે. ગયા વર્ષે 'કેશ ફોર ક્વેરી' કેસમાં ૧૭મી લોકસભા માં સાંસદ પદ ગુમાવનાર સાંસદ ફરી મુશ્કેલીમાં મુકાયા છે. 'પાયજામો' શબ્દ મામલે મહુવા વિરુદ્ધ BNS કલમ 79 હેઠળ દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના સાયબર યુનિટે એફઆઈઆર નોંધી છે.
મહુઆ પર આરોપ છે કે તેમણે સોશિયલ મીડિયા સાઇટ X પર પોતાની પોસ્ટમાં રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્મા પર અભદ્ર ટિપ્પણી કરી હતી. મહિલા આયોગે શુક્રવારે દિલ્હી પોલીસમાં ફરિયાદ આપી હતી. અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ મહુઆ મોઇત્રા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.
રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્મા હાથરસ નાસભાગના ઘટના સ્થળે પહોંચ્યા હતા, તે વીડિયો પર તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાએ રેખા શર્મા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી. આ વીડિયોમાં એક વ્યક્તિ તેમની પાછળ ચાલી રહ્યો છે અને એક વ્યક્તિ છત્રી પકડીને ચાલી રહ્યો છે. આ વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો, જેમાં એક સોશિયલ મીડિયા યુઝરે સવાલ ઉઠાવ્યો હતો, કે રેખા શર્મા પોતાની છત્રી કેમ નથી લઈ શકતી?
મહુઆ મોઇત્રાએ ટ્વીટના જવાબમાં કહ્યું, "તે (રેખા શર્મા) તેના બોસનો પાયજામો સંભાળવામાં ખૂબ વ્યસ્ત છે." આવી અભદ્ર ટિપ્પણીએ NCW તરફથી તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. જેમાં NCWએ મોઇત્રા સામે FRI નોંધવાની માંગણી કરી હતી. આયોગે એક નિવેદનમાં કહ્યું કે "અભદ્ર ટિપ્પણી અપમાનજનક છે, અને આ મહિલાના સન્માનના અધિકારનું ઉલ્લંઘન છે." મહુઆની આ વિવાદિત ટિપ્પણી પર મહાભારત સર્જાયું છે.
Reporter: News Plus