વડોદરા : શહેરના અલકાપુરીમાં આવેલી વૈષ્ણવ સંપ્રદાયની હવેલીની દાનપેટીમાંથી ચોરીનો ગજબનો કીમિયો અજમાવવામાં આવ્યો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.
અલકાપુરી ઊર્મિ સોસાયટી ખાતે આવેલું શ્રી ગોવર્ધનનાથજીની હવેલીના સ્ટોર મેનેજર મહેશભાઈએ પોલીસને કહ્યું છે કે, તા.18મી એ હવેલીની દાન પેટી ખાલી કરી ગણતરીની કામગીરી દરમિયાન અંદરથી વાંસની ગુંદર લગાવેલી બે પટ્ટી મળી આવી હતી. આ પટ્ટીનો ઉપયોગ દાનમાં આવતી ચલણી નોટો ઉઠાવવા માટે થતો હોવાનું જણાઈ આવ્યું હતું.
જેથી સીસીટીવી તપાસતા હવેલીમાં સાફ-સફાઈનું કામ કરતો સંજય દિનેશભાઈ બારીયા (શ્રીનાથધામ ડુપ્લેક્સ, દિનેશ મિલ પાસે,જેતલપુર રોડ) તા.16મીએ સવારે 5.39 કલાકે વાંસની પટ્ટી નાખતો નજરે પડ્યો હતો. ત્રણ દિવસ દરમિયાન તેણે અંદાજે 25000 રૂપિયાની ઉઠાંતરી કરી હોવાનું મનાય છે. જેથી અકોટા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Reporter: admin