News Portal...

Breaking News :

ત્રણ કરોડથી વધુ રકમની ઠગાઇ કરનાર વધુ એક ઠગની ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ

2024-08-21 14:35:36
ત્રણ કરોડથી વધુ રકમની ઠગાઇ કરનાર વધુ એક ઠગની ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ


માંજલપુરની કેનરા બેંકના મેનેજર તથા ગોલ્ડ મેનેજર હોવાની ઓળખ આપી સોનું લઇ ગોલ્ડ અને મકાનની લોન મેળવી ત્રણ કરોડથી વધુ રકમની ઠગાઇ કરી હતી. 


વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ કરોડથી વધુ રકમની કરેલ ઠગાઇના ત્રણ ગુનાઓ વર્ષ ૨૦૨૩-૨૪ માં નોંધાયા હતા. જેમાં સંડોવાયેલ વેદાંત સોસાયટી વિશ્વામીત્રી રેલ્વે સ્ટેશન પાસે અવધુત ફાટક પાસે રહેતા વિશાલ જયંતિભાઇ ગજ્જર સામે ગુનો નોંધાયો હતો. તેની સામે ગુનો રજૂ થયા બાદ તે ફરાર થઇ ગયો હતો. તપાસ કરવા છતાં નહી મળતા નાસતો ફરતો જાહેર કરવામાં આવેલ હોય ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ આરોપી અંગે ટેકનીકલ અને હ્યુમન સોર્સ આધારે તપાસ કરી રહી હતી.માહીતી આધારે આ નાસ્તો ફરતો વિશાલ ગજ્જર રહેવા માટે ઉપયોગ કરી રહેલ કિયા સેલ્ટોસ ફોરવ્હીલ ગાડી સાથે જામ્બુવા બ્રીજ પાસેના સર્વીસ રોડ પરથી શોધી કાઢવામાં આવ્યો હતો. જેની પુછપરછ અને સદર તપાસ દરમ્યાન માંજલપુર પોલીસ સ્ટેશનના ઠગાઈના ત્રણ ગુનાઓમાં સંડોવાયેલ હોવાનુ જણાઇ આવ્યું હતું. જેની પાસેથી મળી આવેલ શંકાસ્પદ કીયા સેલ્ટોસ ફોરવ્હીલ ગાડી અને મોબાઇલ ફોનના બીલ કે પેપર્સ ન હોવાથી ફોરવ્હીલ ગાડી અને મોબાઈલ ફોનને કબજે કરી આગળ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે માંજલપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. 


વધુ તપાસમાં જાણવા મળ્યું છે કે, નાસ્તા ફરતા વિશાલ ગજ્જરનુ જન્મથી નામ રવિ જયંતીભાઇ પેશાવરીયા છે.જે મૂળ રાજકોટનો રહેવાસી અને બી.કોમ.સુધીનો અભ્યાસ કર્યા બાદ લોકોને લોનો અપાવવાનુ અને ફોરવ્હીલ વાહનો લે-વેચનુ કામ કરતો હતો. વર્ષ ૨૦૧૨-૧૩ માં જુના વાહનોને નવા વાહનો કહી લોકોને વેચવા જેવી ઠગાઇ કરતા તેની સામે રાજકોટના માલવિયાનગર અને થોરાળા પોલીસ સ્ટેશનમાં ત્રણ અને કચ્છના ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં ઠગાઇના ગુનાઓ નોંધાયા હતા. ઠગાઇના કેસો થયેલ હોવાના કારણે બેંકમાંથી લોન મળે તેમ ન હોય જેથી રાજકોટ છોડી ખંભાત આવી અને ત્યાંથી વડોદરા આવી ગયો હતો. અહીં ભાડાનુ મકાન રાખી નવું નામ વિશાલ જયંતીભાઇ ગજ્જર ધારણ કર્યું હતું. પોતે માંજલપુરની કેનરા બેંકના મેનેજર તેમજ ગોલ્ડ મેનેજર તરીકે ખોટી ઓળખ આપી લોકોને વિશ્વાસમાં લીધા હતા. ગોલ્ડ લોન મેળવવાના બહાને લોકો પાસેથી ગોલ્ડ (સોનું) લઇ જઇ લોન મેળવી હતી. તેના રૂપીયા લોકોને નહી આપી તેમજ ગોલ્ડ લોન લેવાના બહાને લોકો પાસેથી લઇ ગયેલ ગોલ્ડ પરત કર્યું નહતું. તેની સામે ત્રણ કરોડથી વધુ મતાની ઠગાઇ કરવા સંબંધેના ત્રણ ગુનાઓ માંજલપુર પો.સ્ટે.માં નોંધાયેલ છે.

Reporter: admin

Related Post