વડોદરા શહેરમાં BJP પ્રમુખ પદ માટે છેલ્લા કેટલાય સમયથી અલગ-અલગ જૂથોમાં તીવ્ર માથાકૂટ ચાલી રહી છે. જૂથવાદની આ લડત વચ્ચે હવે પ્રમુખ પદના ચયન માટે પ્રક્રિયા ઝડપી બની છે.

રવિવારે સાંજના શહેર BJPના સંકલન સભ્યો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અધ્યક્ષપદે રહ્યા હતા. આ બેઠકમાં પ્રદેશના ચુંટણી અધિકારીઓ સંજય દેસાઈ અને કુશલસિંહ પઢિયાર પણ હાજર રહ્યા હતા.આ મહત્વની બેઠકમાં શહેરના તમામ ધારાસભ્યો, સાંસદ, મેયર અને પૂર્વ સાંસદ હાજર રહ્યા હતા. તેમાં મુખ્યત્વે સાંસદ હેમાંગ જોશી, ધારાસભ્ય કેયુર રોકડીયા, ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, ધારાસભ્ય મનીષા વકીલ, ધારાસભ્ય યોગેશ પટેલ, મેયર પિન્કી સોની અને પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ સામેલ હતા.બેઠકમાં તમામ સભ્યોએ અલગ-અલગ ચર્ચા કરીને પ્રમુખ પદ માટે પોતાનો મત અને મંતવ્ય રજૂ કર્યો હતો.

પ્રદેશના ચુંટણી અધિકારીઓએ દરેક સભ્યની વ્યુહરચના સાંભળી અને તેમણે તેમના વિચાર વિશે સ્પષ્ટતા પણ આપી હતી. બેઠક બાદ ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે પ્રદેશ સંગઠન પર્વના અંતિમ તબક્કા હેઠળ આજે સંકલન સભ્યોના મત લેવામાં આવ્યા છે. આવતીકાલે કેન્દ્રીય ટીમ સમક્ષ આ રજૂઆતો રાખવામાં આવશે, અને ત્યારબાદ પાર્ટી દ્વારા અંતિમ નિર્ણય જાહેર કરાશે.ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં વર્તમાન પ્રમુખ ડૉ વિજય શાહનો કાર્યકાળ ખૂબ જ સારો રહ્યો હોવાની કાર્યકર્તાઓમાં ચર્ચા છે ત્યારે વધુ એક ડૉ વિજય શાહ પર પસંદગીનો કળશ ઢોળાય તો નવાઈ નહી.







Reporter: admin