શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે છોટાઉદેપુરની પી.એમ. તાલુકા શાળા નંબર -૧ ની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ બાદ છોટા ઉદેપુર ખાતે અંદાજિત રૂપિયા ૨૦ કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલી જનરલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ નવનિર્માણ પામી રહેલી આ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ તથા હોસ્પિટલની જરૂરિયાતો અને તેના બાંધકામ સંદર્ભે સિવિલ સર્જન અને સંબંધિત અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીએ છોટાઉદેપુરના લોકોની સાથે આસપાસના જિલ્લાના લોકોની આરોગ્ય સુખાકારી માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ બની રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરી, આ હોસ્પિટલ ખાતે કાયમી સ્વચ્છતા જળવાઈ રહે તેની તકેદારી રાખવા જરૂરી સૂચના આપી હતી.
નોંધનીય છે કે, છોટાઉદેપુર ખાતે અંદાજીત રૂ.૨૦ કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલી આ જનરલ હોસ્પિટલમાં ૨૧૨ બેડની સુવિધા ઉપલબ્ધ બનશે જેમાં ૧૦૦ જનરલ બેડ, ૫૦ ક્રિટિકલ કેર યુનિટ, ૪૨ પીડિયાટ્રિક યુનિટ, ૨૦ ICU, ઓપરેશન થિયેટર, લેબરરૂમ, ફિજીયોથેરાપી રૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનશે, જેના થકી છોટાઉદેપુર જિલ્લાના લોકોને વધુ સારી આરોગ્ય સેવાઓમાં મળશે. મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન તેમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ મલાકા પટેલ, જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયા,જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી,પ્રાંત અધિકારી વિમલ બારોટ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સી.બી.ચોબીસા,સિવિલ સર્જન સમીર પારીખ, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પના રાઠવા સહિતના અધિકારી-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: News Plus