મધ્યપ્રદેશના ભોપાલમાં સરકારી સ્કોલરશિપ કૌભાંડ મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. યુકો બેંકના ભોપાલ ઝોનલ હેડ અને ડેપ્યુટી જનરલ મેનેજર (DGM) લોકેશ કુમાર દ્વારા માર્ચ મહિનામાં કરવામાં આવેલી ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે 1 જાન્યુઆરી 2020થી 31 ઓક્ટોબર 2021 દરમિયાન યુકો બેંકની હબીબગંજ શાખામાં ભોપાલ સ્થિત એકેડમી ઓફ મેનેજમેન્ટના એમબીએના 118 વિદ્યાર્થીઓના નામે તેમની જાણ અને સંમતિ વગર બચત ખાતા ખોલવામાં આવ્યા હતા.
આ ખાતાઓમાં સરકાર દ્વારા આપવામાં આવતી સ્કોલરશિપની રકમ જમા કરાવવામાં આવી હતી. ત્યારબાદ આરોપીઓએ આ રકમની ગેરરીતિપૂર્વક ઉચાપત કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
CBIએ પ્રાથમિક તપાસ બાદ સંબંધિત વ્યક્તિઓ સામે ગુનો નોંધી સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા લોકોની ભૂમિકા અંગે તપાસ તેજ કરી છે. તપાસ દરમિયાન બેંકિંગ પ્રક્રિયા, દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.
આ સમગ્ર કૌભાંડમાં વિદ્યાર્થીઓની ઓળખ અને દસ્તાવેજોનો કેવી રીતે ઉપયોગ થયો તેમજ તેમાં અન્ય કોઈ અધિકારીઓ અથવા સંસ્થાઓની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ CBI દ્વારા તપાસ ચાલી રહી છે.
Reporter: admin







