કેનેડાની ઇમિગ્રેશન એજન્સી **ઇમિગ્રેશન, રિફ્યુજીઝ એન્ડ સિટિઝનશિપ કેનેડા (IRCC)**એ ભારતીય વિદ્યાર્થીઓના વર્ક પરમિટ રિજેક્ટ થવાના અહેવાલો બાદ મહત્વપૂર્ણ સ્પષ્ટતા જાહેર કરી છે. એજન્સીએ જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ સ્ટડી પરમિટ હેઠળ લાગુ પડતા રોજગાર સંબંધિત તમામ નિયમોનું કડક પાલન કરવું જરૂરી છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર વિદ્યાર્થીઓ સામે ભવિષ્યમાં વર્ક પરમિટ ન મળવો, કેનેડામાં પ્રવેશ પર પ્રતિબંધ અથવા દેશનિકાલ જેવી કડક કાર્યવાહી થઈ શકે છે.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કેનેડાના કેલગરી સ્થિત પોર્ટેજ કોલેજે વર્ક પરમિટ નકારાયા બાદ વિરોધ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને કાનૂની સલાહ લેવાની ભલામણ કરી હતી. કોલેજે જણાવ્યું કે તે સમગ્ર મામલે IRCC પાસેથી વધુ સ્પષ્ટતા મેળવવાના પ્રયાસો કરી રહી છે.
IRCCએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ જણાવ્યું કે વિદ્યાર્થીઓને માત્ર સ્ટડી પરમિટમાં નક્કી કરેલી શરતો મુજબ જ કામ કરવાની મંજૂરી છે. કેમ્પસની બહાર કામ કરવાની મંજૂરી ધરાવતા વિદ્યાર્થીઓ ક્લાસ દરમિયાન અઠવાડિયામાં મહત્તમ 24 કલાક જ કામ કરી શકે છે. આ મર્યાદા કરતાં વધુ કામ કરવું ઇમિગ્રેશન નિયમોનું ઉલ્લંઘન ગણાશે અને તેના ગંભીર કાનૂની પરિણામો આવી શકે છે. IRCCએ તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સત્તાવાર માર્ગદર્શિકાનું પાલન કરવાની અપીલ કરી છે.
Reporter: admin







