News Portal...

Breaking News :

કર્ણાવતીથી ‘વંદે માતરમ્ યુવા ઉદ્ઘોષ અભિયાન’નો ભવ્ય પ્રારંભ

2026-08-14 14:26:00
કર્ણાવતીથી ‘વંદે માતરમ્ યુવા ઉદ્ઘોષ અભિયાન’નો ભવ્ય પ્રારંભ

યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રનિષ્ઠા અને રાષ્ટ્રગૌરવની ભાવનાને વધુ પ્રબળ બનાવવાના ઉદ્દેશથી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા, ગુજરાત પ્રદેશ દ્વારા ‘વંદે માતરમ્ યુવા ઉદ્ઘોષ અભિયાન’નો કર્ણાવતી મહાનગર ખાતેથી ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ અને આગેવાનો જોડાયા હતા.

આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, પ્રથમ વખત ‘વંદે માતરમ્’ના સંપૂર્ણ ગાન સાથે આ પ્રકારનું ભવ્ય અભિયાન યોજાઈ રહ્યું છે. ‘વંદે માતરમ્’ની ગૌરવશાળી પરંપરા અને રાષ્ટ્રભાવનાને નવી પેઢી સુધી પહોંચાડવી એ દરેક દેશપ્રેમી નાગરિકની જવાબદારી છે.

તેમણે ‘વંદે માતરમ્’ના ઐતિહાસિક મહત્ત્વનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે 1870ના દાયકામાં ‘વંદે માતરમ્’ની રચના કરી હતી. 7 નવેમ્બર 1875ના રોજ તે સૌપ્રથમ ‘બંગદર્શન’ સામયિકમાં પ્રકાશિત થયું હતું અને બાદમાં 1882માં ‘આનંદમઠ’ નવલકથામાં તેનો સમાવેશ થયો હતો. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ‘વંદે માતરમ્’ દેશભક્તિનું શક્તિશાળી પ્રતીક બન્યું હતું.

17 સપ્ટેમ્બર સુધી સમગ્ર ગુજરાતમાં અભિયાન

ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ અને વડોદરા લોકસભાના સાંસદ ડૉ. હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે, 12 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર 2026 દરમિયાન સમગ્ર ગુજરાતમાં ‘વંદે માતરમ્ યુવા ઉદ્ઘોષ અભિયાન’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે.

અભિયાનનો મુખ્ય ઉદ્દેશ યુવાનો અને નાગરિકોને ‘વંદે માતરમ્’ના ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્ત્વથી માહિતગાર કરવાનો તેમજ તેના સંપૂર્ણ ગાન અને ભાવાર્થ સાથે વધુમાં વધુ લોકોને જોડવાનો છે. ડૉ. હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે, ‘વંદે માતરમ્’ માત્ર ગીત કે ઉદ્ઘોષ નથી, પરંતુ ભારતમાતા પ્રત્યેના પ્રેમ, રાષ્ટ્રગૌરવ અને દેશભક્તિની અવિરત ભાવનાનું પ્રતીક છે.

પ્રદેશ યુવા ભાજપ પ્રભારી કિરીટ પટેલે જણાવ્યું હતું કે, “વંદે માતરમ્ માત્ર એક ગીત નથી, પરંતુ એક મંત્ર અને દેશ પ્રત્યેની ભાવના છે.” તેમણે યુવાનોને ‘વંદે માતરમ્’ના સંપૂર્ણ ગાનથી પરિચિત કરવા અને તેને જન-જન સુધી પહોંચાડવા યુવા કાર્યકર્તાઓને આહ્વાન કર્યું હતું.

અભિયાન અંતર્ગત રાજ્યના વિવિધ વિસ્તારોમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે. યુવાનો, ભાજપના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને રાષ્ટ્રપ્રેમી નાગરિકોને અભિયાનમાં જોડાઈ તેને વ્યાપક જનઆંદોલનનું સ્વરૂપ આપવા અપીલ કરવામાં આવી છે.

કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડૉ. હેમાંગ જોશી, પ્રદેશ પ્રભારી કિરીટભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, કર્ણાવતી મહાનગર અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ સહિત પ્રદેશના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Reporter: admin

Related Post