કુખ્યાત બૂટલેગરો અલ્પુ સિંધી, જુબેર મેમણ સહિતની 8 બૂટલેગરની ગેંગ સામે વારસિયા પોલીસ સ્ટેશનમાં ગુજસિટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસે રવિ દેવજાણી ની દારૂના ગુનામાં ધરપકડ કર્યા બાદ ગુજસિટોક ગુના હેઠળ ધરપકડ કરી હતી. પોલીસે રવિને કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના રિમાન્ડ મેળવીને તપાસ આરંભી હતી. સ્પેશયલ પીપી રઘુવીર પંડ્યાએ કહ્યું હતું કે વારસિયા દાજી નગરમાં રહેતા રવિ બિમનદાસ દેવજાણીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, બૂટલેગરો દારૂના ધંધામાંથી કમાયેલા બિનહિસાબી રૂપિયાનું રોકાણ કરવા અમદાવાદના કાલુપુર સ્ટેશન પાસે ખાંડ બજાર નજીકની દુકાને અને જામનગર રેલવે સ્ટેશન બાજુની અલ્પુના મિત્રની કપડાની દુકાનમાં લઈ જતો હતો. જોકે ત્યાં અવવા-જવા માટે અલ્પુ સિંધી તેના મિત્રોની મોંઘીદાટ કાર મગાવતો હતો.આ સિવાય બૂટલેગરોને કેવી રીતે ધંધો કરવો, પ્રોત્સાહન આપવું, સલાહ-સૂચન સહિત આપનાર લોકો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર બોર્ડર પર અંતરિયાળ વિસ્તારમાં રહે છે. ત્યાં જઈને પોલીસ તપાસ કરશે. જ્યારે બૂટલેગરોએ કરોડો રૂપિયા કમાઈને સ્થાવર તથા જંગમ મિલકત વસાવી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવનાર છે.
પોલીસે રવિ દેવજાનીને કોર્ટમાં રજૂ કરીને 30 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જોકે કોર્ટે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રવિ સામે મધ્યપ્રદેશમાં હત્યા સહિતના ગુના નોંધાયા છે. જ્યારે અગાઉ પોલીસે બૂટલેગર કમલેશ ઉર્ફે પપ્પુ ડાવરની ધરપકડ કરીને તેના પણ રિમાન્ડ મેળવ્યા હતા. કુખ્યાત બૂટલેગરોની ગેંગ રાજ્ય બહારથી દારૂ લાવી તેમના ગ્રાહકોને ડિલિવરી લેવા એપીએમસી માર્કેટના પાછળ ભાગે ઝાડી-ઝાંખરાવાળી જગ્યામાં બોલાવતી હતી. આ સ્થાનિક પોલીસની પરવાનગી વગર થવું અશક્ય છે. મોટા પ્રમાણમાં દારૂનું કટિંગ અહીં કરાતું હતું ત્યારે કોની સુરક્ષા અને સલાહ હેઠળ દારૂ લાવી કટિંગ કરાતું હતું, તેની પોલીસ તપાસ કરશે. બૂટલેગરો વિવિધ ફોન તથા સિમકાર્ડ રાખતા હતા અને તેઓ એકબીજાને ફોન કરી કોડવર્ડથી બોલાવતા હતા. આ સાથે જ વિવિધ સંદેશા પણ કોડવર્ડમાં આપતા હતા. ત્યારે પોલીસ આરોપીઓના કબજે કરાયેલા ફોન નંબરના સહિતના સીડીઆર મગાવીને તેની તપાસ કરશે. તેનાથી દારૂના ધંધાની તમામ હકીકત પોલીસને સ્પષ્ટ જાણવા મળશે તેમ જાણવા મળ્યું હતું.
Reporter: admin