વડોદરા શહેરમાં સજા વોરંટના કામે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા અભિયાન દરમિયાન પાણીગેટ પોલીસ સ્ટેશનની સમન્સ-વોરંટ ટીમે એક વર્ષની સજા પામેલા ફરાર આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, વડોદરાના એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં એન.આઈ. એક્ટની કલમ-૧૩૮ હેઠળ નોંધાયેલા કેસ (સી.સી. નં. ૧૧૧૨૭૯/૨૦૨૫)માં પટેલ પ્રિયાંક રવિન્દ્રકુમાર (રહે. ડી/૧૨૨, મનન પાર્ક સોસાયટી, વાઘોડિયા રોડ, વડોદરા)ને એક વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. કોર્ટના આદેશ મુજબ આરોપીને વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલવા સજા વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું.
આરોપી ફરાર હોવાથી પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. પટેલના માર્ગદર્શન હેઠળ સમન્સ-વોરંટ ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપીનું ચોક્કસ લોકેશન મેળવી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પકડાયેલા આરોપીને કોર્ટના સજા વોરંટના અમલ માટે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.
Reporter: admin







