News Portal...

Breaking News :

વડોદરામાં કોલેરાના 5 કેસ નોંધાયા,આ મામલે વિપક્ષ નેતાએ પાલિકા પર કોલેરાના કેસના આંકડા છુપાવવાનો આક્ષેપ કર્યો.

2024-07-09 18:05:10
વડોદરામાં કોલેરાના 5 કેસ નોંધાયા,આ મામલે વિપક્ષ નેતાએ પાલિકા પર કોલેરાના કેસના આંકડા છુપાવવાનો આક્ષેપ કર્યો.


વડોદરામાં કોલેરાના કેસમાં વધારો નોંધાયો. શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી કોલેરાના કુલ પાંચ કેસ નોંધાયા. પરંતુ આ સામે પાલિકાના વિપક્ષ નેતા અમીબેન રાવતે કોર્પોરેશન પર કોલેરાના કેસના આંકડા છુપાવી કામગીરીથી દૂર ભાગી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. જેની સામે વડોદરાના મેયર પિન્કીબેન સોનીએ પાલિકા કોલેરાને નાથવા માટે સતર્ક છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.



ચોમાસાની ઋતુમાં કોલેરા જેવા પાણીજન્ય અને ખોરાકજન્ય રોગોના કેસમાં વધારો થતો હોય છે. ત્યારે હાલમાં પણ શહેરમાં કોલેરાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરના કિશનવાડી, તુલસીવાડી અને માંજલપુર વિસ્તારમાં કોલેરાના કેસ નોંધાયા. એસ.એસ.જી. હોસ્પિટલ અને જમનાબાઈ હોસ્પિટલમાં દર્દીઓએ સારવાર લીધી. સરકારી હોસ્પિટલે કોર્પોરેશનને જાણ કરી હોવા છતાં કોઈ પગલાં ન લીધા. આ અંગે કોર્પોરેશનના અધિકારીઓ શંકાસ્પદ કેસ હોવાનું ઇન્કાર કરી રહ્યા છે. આ મામલે પાલિકાના વિપક્ષ નેતા અમીબેન રાવતનું મોટું નિવેદન સામે આવ્યું. જેમાં તેમને પાલિકાની કામગીરી પર આકરા પ્રહારો કર્યા કે, "વડોદરામાં 9 કોલેરા પોઝિટિવ કેસ સામે આવ્યા. 


સયાજી હોસ્પિટલના લેબમાં તમામ કેસ પોઝિટિવ આવ્યા. અને હોસ્પિટલમાં દર્દીઓની સારવાર ચાલી રહી છે. પરંતુ આ મામલે પાલિકાના સત્તાધીશો હકીકત છુપાવી રહ્યા છે. પાલિકા રિપોર્ટ પોઝિટિવ ન આવ્યા હોવાની વાત કરી કામગીરી કરવા માંગતું નથી એવું લાગી રહ્યું છે. કોલેરા પાણીજન્ય અને અખાદ્ય ખોરાકથી ફેલાય છે. જેથી કોર્પોરેશને તાત્કાલિક કોલેરાગ્રસ્ત વિસ્તારના નામ જાહેર કરવા જોઈએ, જેથી લોકો કાળજી રાખી શકે.તો બીજી તરફ વડોદરાના મેયર પિન્કીબેન સોનીએ પણ આ મામલે નિવેદન આપ્યું કે, શંકાસ્પદ દર્દીઓના કલ્ચર ટેસ્ટ કરાવ્યા છે, રિપોર્ટ આવ્યા બાદ કોલેરા છે કે નહીં તેની ખાતરી થશે. 3થી 4 દિવસમાં કલ્ચરનો રિપોર્ટ આવે છે. વડોદરા પાલિકા કોલેરાને નાથવા માટે સતર્ક છે. પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગના ખોરાક શાખાને ચેકિંગ કરવા આદેશ કર્યો. જ્યાં દૂષિત પાણી આવતું હોય ત્યાં તાત્કાલિક કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. તેમજ ખાણી પીણીની લારીઓ પર ચેકિંગના આદેશ આપ્યા છે.

Reporter: News Plus

Related Post