જલગાવ : મહારાષ્ટ્રમાં નવા વર્ષની ઉજવણી વચ્ચે ભારે બબાલ શરૂ થઈ છે. અહીંના જલગાવમાં હોર્ન વગાડવા મુદ્દે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ છે.
બંને જૂથોએ સામસામે પથ્થરમારો કરી અનેક વાહનોને આગ ચાંપી દીધી છે. અહીં 12થી 15 દુકાનો સળગાવી દેવાઈ છે.મળતા અહેવાલો મુજબ શિવસેનાના મંત્રી ગુલાબરાવ પાટિલનો પરિવાર 31 ડિસેમ્બરની રાત્રે એક કારમાં જલગાવના પલાઢી ગામ જઈ રહ્યો હતો. આ દરમિયાન કારના ડ્રાઈવરે હોર્ન વગાડતા કેટલાક યુવકો ગુસ્સે થયા અને ડ્રાઈવરને અપશબ્દો બોલી માથાકુટ કરી હતી. ત્યારબાદ કારમાં મંત્રીના પત્ની હોવાના કારણે કેટલાક શિવસેનાના લોકોએ અપશબ્દો બોલી રહેલા યુવાનો પર ગાડી ચડાવી દીધી હોવાના અહેવાલ સામે આવ્યા છે.
ઘટના બાદ પલાઢી ગામના કેટલાક યુવાનોએ અને શિવસેનાના કેટલાક કાર્યક્રતાઓએ રેલી કાઢી હતી. ત્યારબાદ ગુસ્સે ભરાયેલી ભીડે પથ્થરમારો અને આગચંપી કરવાનું શરૂ કરી દીધું હતું.આ ઘટના બાદ બે જૂથો સામ સામે આવી ગયા હતા અને એકબીજા પર પથ્થમારો કરવાનું શરૂ કરી દીધું હતું. ગુસ્સે ભરાયેલા લોકોએ વાહનોને સળગાવ્યા હતા. આ ઘટનામાં 12થી 15 દુકાનો સળગાવી દેવામાં આવી છે. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં લઈ લીધી છે. જોકે વધુ હિંસા ન થાય અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસે ત્યાં બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે.
Reporter: admin