કલોલ : નગરપાલિકામાં વિકાસના કામોના રિ ટેન્ડરિંગને લઇ બખેડો ખડો થયો હતો અને આ વિવાદ એટલો ઉગ્ર બની ગયો હતો કે છેક લાફામારી સુધી પહોંચી ગયો હતો. જો કે આ લાફાકાંડ વધુ વકરતા કલોલ નગરપાલિકામાં ભાજપના 33માંથી 12 કોર્પોરેટરે રાજીનામાં ધરી દીધા છે. ભાજપના જ નેતાઓના દરદનું કોઇ ઓસડ ન મળતા અંતે આ રાજીનામાં ધરી દીધા હોવાનું મનાઈ રહ્યું છે.
આજથી અઠવાડિયા પહેલા ગાંધીનગર જિલ્લાની ભાજપ શાસિત કલોલ નગરપાલિકામાં વિકાસના કામોના રિ ટેન્ડરિંગને લઇ વિવાદ ઊભો થયો હતો અને આ વિવાદ એટલો ઉગ્ર બની ગયો હતો કે છેક મારામારીના સ્વરૂપમાં પરિવર્તિત થઈ ગયો હતો. જો કે આ વિવાદ બાદ શિસ્તની પાર્ટી ગણાતી ભાજપ શાસિત નગરપાલિકામાં શિસ્તની વાતોના લીરે લીરા ઊડી ગયા હતા.
સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલા કામોનું ફરીથી રી-ટેન્ડરિંગ કરતા બખેડો સર્જાયો હતો. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં કચેરીમાં હાજર લોકોએ લાફા મારી રહ્યા હતા અને મારામારી કરી રહ્યા હતા. અમુક લોકોએ ખુરશી પણ માથે ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. મારમારી બાદ સમગ્ર મામલો પ્રદેશ ભાજપ સુધી પહોંચ્યો હતો પણ દરદનું કોઇ ઓસડ ન મળતા અંતે સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પ્રકાશ વરગડે સહિત 11 કોર્પોરેટરોએ તેમના સમર્થનમાં રાજીનામા ધરી દીધા છે.
Reporter: admin