700 થી વધુ યુવક યુવતીઓએ લાભ લીધો

યુવાન પશ્ચિમ સંસ્કૃતિનુ અનુકરણ કરી વ્યસનોના વમળમાં ન ફસાય તે માટે સંતો દ્વારા યુવા સભાનો પ્રારંભ કરાયો
વડતાલ ધામ : સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલધામ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં તા.૧૫ જૂનને રવિવારથી વડતાલ ટેમ્પલ કમિટિના ચેરમેન ડો.સંતવલ્લભસ્વામી, મુખ્ય કોઠારી દેવપ્રકાશસ્વામીની પ્રેરણાથી યુવા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજનો યુવાન પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી વ્યસનોના વમળમાં ફસાઇ જાય છે યુવાન પોતાનું કર્તવ્ય ભૂલી જઇ પોતે તથા પરિવારને દુ:ખી કરે છે. ત્યારે આજનો યુવાન નિવ્યસની બને, ભગવાનની ભક્તિ તરફ વળે તે જીવ ભગવાન સાથે જોડાય તે આશયથી યુવા સભાનો સંતો દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે.પ્રથમ યુવાસભાના વકતાપદે બિરાજેલ પૂ.બ્રહ્મસ્વરૂપસ્વામીએ આગામી શિક્ષાપત્રી લેખન દ્વિશતાબ્દી મહોત્સવ તથા આચાર્ય પદ સ્થાપન મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રી કથાનું સુમધુર શૈલીમાં રસપાન કરાવ્યું હતું.

આ પ્રસંગે વડતાલ મંદિરના મુખ્ય કોઠારી દેવપ્રકાશસ્વામી, વલ્લભસ્વામી, ગુણસાગર સ્વામી, સૂર્યપ્રકાશસ્વામીએ દીપ પ્રાગટ્ય કરી યુવા શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રથમ યુવા શિબિરના યજમાન ચંદુભાઇ હાથીભાઇ પટેલ (મિત્રાલ) દ્વારા પ્રથમ હરિનું, વકતાનું તથા સભામાં ઉપસ્થિત સંતોનું ફુલહારથી સ્વાગત કર્યું હતું.દરમ્યાન મુખ્ય કોઠારી દેવપ્રકાશસ્વામીએ આજનો યુવાન કુસંગના કારણે વ્યસનોના ચક્કરમાં ફસાઇ જાય છે. યુવાન પોતે દુ:ખી થાય છે. અને સાથે પરિવારને પણ દુ:ખી કરે છે. યુવાન જો સત્સંગમાં જોડાય તો તેનામાં સદગુણો આવે છે. ત્રણદેહથી પર થઇ ભગવાનની ભક્તિ કરવાની છે. સાથે સાથે યુવાન જો દરરોજ શિક્ષાપત્રીનું પઠન કરે તો તેનામાં સદગુણ આવશે. સમાજમાં પરિવારમાં પોતાનું નામ રોશન કરશે, સંતો ભક્તોનો નિયમિત સમાગમ થશે. જે એનાજીવનને રૂડુ બનાવશે. પ્રથમ યુવાસભામાં 700 થી વધુ યુવક યુવતીઓ જોડાયા હતા. પ્રારંભમાં શિક્ષાપત્રીનું પુજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંજાયાના લાલાભાઇ, મૃગેશભાઇ પટેલ (મુખી), જયેશભાઇ – વલેટવાએ વક્તાનું પૂજન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂ.શ્યામવલ્લભસ્વામીએ કર્યું હતું.

Reporter: admin