નવી દિલ્હી : અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગના નવા રિપોર્ટ બાદ બિઝનેસ જગત અને દેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ પર અદાણી સાથે સાંઠગાંઠનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારને આકરા સવાલ કર્યા છે.
સેબીના ચેરપર્સન માધબી બુચે હજુ સુધી રાજીનામું કેમ નથી આપ્યું? જો રોકાણકારો પોતાની મહેનતની કમાણી ગુમાવે છે તો કોણ જવાબદાર? પીએમ મોદી, સેબી ચેરપર્સન કે પછી અદાણી? નવા આરોપો બાદ શું સુપ્રીમ કોર્ટ આ મામલે તપાસ કરાવશે? રાહુલ ગાંધીએ કહ્યું છે, કે 'હવે ખબર પડી ગઈ છે કે વડાપ્રધાન મોદી JPC તપાસથી આટલા કેમ ગભરાય છે. આનાથી સત્ય બહાર આવી શકે છે. રાહુલ ગાંધીએ એક વીડિયો શેર કરીને કહ્યું છે, કે 'કલ્પના કરો કે ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે મેચ ચાલી રહી છે. મેચ જોનારા, મેચ રમનારા સૌ કોઈ જાણતું હોય કે અમ્પાયર ન્યાયસંગત નથી. તો શું મેચ થઈ શકશે? મેચમાં ભાગ લેનાર વ્યક્તિ તરીકે તમને કેવું લાગશે? ભારતીય શેરબજાર બિલકુલ આ જ ચાલી રહ્યું છે.
છેલ્લા વર્ષોમાં મોટી સંખ્યામાં લોકો શેર બજારમાં રોકાણ કરી રહ્યા છે. ઈમાનદારીથી બચત કરેલા રૂપિયા શેર બજારમાં લગાવી રહ્યા છે. વિપક્ષ નેતા રૂપે મારી ફરજ છે કે હું તમારું ધ્યાન દોરું કે શેર બજાર જોખમભર્યું છે કારણ કે શેર બજારને નિયંત્રિત કરતી સંસ્થા સાથે સમજૂતી કરાઇ છે.' શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચે અદાણી સાથે સાંઠગાંઠના આરોપ પર માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચે વિસ્તૃત જવાબ આપ્યો છે. નવા જવાબમાં બુચ દંપત્તિએ કહ્યું છે કે હિંડનબર્ગ દ્વારા જે ફંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે રોકાણ તેમણે વર્ષ 2015માં કર્યું હતું. ત્યારે તેઓ બંને (માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ) સિંગાપોરના નાગરિક હતા અને SEBIમાં જોડાયાના બે વર્ષ પહેલા આ રોકાણ કરવામાં આવ્યું હતું.
Reporter: admin