જામનગર : જિલ્લાના ધ્રોલ શહેરમાં આવેલા વોર્ડ નં.7માં પડધરી નાકા પાછળ સાત ડેરી મહાદેવ મંદિરવાળા રોડ પર વસવાટ કરતા હિન્દુ સમાજના 748 વ્યક્તિઓએ ગઈકાલે (ગુરુવાર) જિલ્લા કલેક્ટર સમક્ષ અરજી કરીને હિન્દુ ધર્મ છોડી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની મંજૂરી આપવા ખળભળાટ મચી ગયો છે. જેના પગલે હિન્દુ સેનાના પદાધિકારીઓ તથા ધ્રોલ હિન્દુ સેના પ્રમુખ ગૌરવ મહેતા સહિતના વ્યક્તિઓ દોડી ગયા હતા.
ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે હિન્દુ તથા મુસ્લિમ ધર્મના લોકો શાંતિથી જીવતા હતા પરંતુ જ્યારથી હિન્દુઓની સરકાર આવી છે ત્યારથી હિન્દુઓની ચિંતાઓ વધી ગઈ છે અને હિન્દુ લોકોની સમસ્યાઓનું કોઈ નિરાકરણ થતું નથી. તેમજ સરકારી અધિકારીઓ, આ વિસ્તારના ધારાસભ્ય, ત્યાંના નગરસેવકોની ઢીલી નીતિના કારણે 748 વ્યક્તિઓએ હિન્દુ ધર્મને છોડીને મુસ્લિમ ધર્મ સ્વીકારી લેવા માટે મંજૂરી માંગી છે. તેઓએ આ માટે રજૂ કરેલા કાગળોમાં તમામ વ્યક્તિઓના ચૂંટણી કાર્ડ તથા આધારકાર્ડના નંબરો લખી સહી કરી આપી હતી. ઉપરોક્ત બાબત પ્રકાશમાં આવતા જ ખળભળાટ મચ્યો છે.
વોર્ડ નં.7ના આ રહેવાસીઓએ જણાવ્યું છે કે, પડધરીના નાકા બહાર ખાટકી વાડ આવેલો છે. ત્યાં જાહેર માર્ગ પર મટન, મચ્છી, મૃત પશુના હાડકા જાહેરમાં ફેંકી હલન ચલનમાં અવરોધ કરવામાં આવે છે અને પ્રસરતી દુર્ગંધના કારણે ઘરમાં રહેવું દુષ્કર બની રહ્યું છે. ત્યાં જ આવેલુ મરઘા ઉછેર કેન્દ્ર પણ તમામ નીતિ નિયમોથી પર છે. મૃત મરઘાઓનો નિકાલ જાહેર રોડ પર કરવામાં આવે છે તેવી રજૂઆત અનેક વખત ધ્રોલ મામલતદાર, પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર સમક્ષ કરવામાં આવી છે, પરંતુ કોઈ પગલાં ભરવામાં આવતા નથી. તે ઉપરાંત પડધરીથી નાકાથી ધ્રોલ પ્રાથમિક શાળા નં.ર સુધીનો રોડ ડામર કે સીસી રોડ બનાવાયો નથી. આ રોડ પર સિમેન્ટ, લોખંડના સળીયા લાવવામાં આવે છે. મજૂરો પણ આવી જાય છે પરંતુ બે-ચાર દિવસમાં જ આ બધો સામાન ક્યા ગુમ થઈ જાય છે તેની ખબર પડતી નથી. સાંસદ જ્યારે ધ્રોલ આવે ત્યારે રજૂઆત માટે આ નગરસેવકો નાગરિકોને તેમના સુધી પહોંચવા દેતા નથી. આવી કઠિન પરિસ્થિતિનો સામનો કરી રહેલા 748 સભ્યોએ હિન્દુ સરકારની બેદરકારી અને હિન્દુઓને પડતી મુશ્કેલીથી કંટાળીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાનું નક્કી કરી તે માટે મંજૂરી માંગી છે.
Reporter: admin