News Portal...

Breaking News :

અમારા પર કાર્યપાલિકાના ક્ષેત્રમાં દખલ દેવાનો આરોપ લાગી રહ્યો છે : સુપ્રીમ કોર્ટ

2025-04-22 10:04:01
અમારા પર કાર્યપાલિકાના ક્ષેત્રમાં દખલ દેવાનો આરોપ લાગી રહ્યો છે : સુપ્રીમ કોર્ટ


નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં વક્ફ કાયદાના સુધારા બાદ મુર્શિદાબાદમાં હિંસા ફાટી નીકળી હતી, જેને પગલે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માગ કરતી એક પીઆઇએલ સુપ્રીમ કોર્ટમાં થઇ હતી. આ માગણીને ફગાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તમે ઇચ્છો છો કે અમે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા આદેશ આપીએ, અમારા પર અગાઉથી જ કાર્યપાલિકાના ક્ષેત્રમાં દખલ દેવાનો આરોપ લાગી રહ્યો છે.



વકીલ વિષ્ણુ શંકર જૈન તરફથી આ પીઆઇએલ કરાઇ હતી જેમાં તેમણે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માગણી કરી હતી. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે તામિલનાડુમાં ૧૦ જેટલા બિલોને લટકાવી રાખવા બદલ રાજ્યપાલની ઝાટકણી કાઢી હતી. સાથે જ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ માટે બિલોની મંજૂરી માટે સમય મર્યાદા નક્કી કરી હતી. સુપ્રીમના આ નિર્ણયની ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા ટિકા કરાઇ હતી, જ્યારે ભાજપના કેટલાક સાંસદોએ પણ તેની ટિકા કરી હતી. જેને પગલે હવે જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માગ પર સુનાવણી ચાલી રહી હતી ત્યારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બીઆર ગવઇએ કહ્યું હતું કે અમારા પર તો પહેલાથી જ કાર્યપાલિકામાં દખલ દેવાના આરોપ લાગી રહ્યા છે ને તમે ઇચ્છો છો કે અમે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા માટે આદેશ આપીએ. ન્યાયાધીશ બીઆર ગવઇ દેશના મુખ્ય ન્યાયાધીશ બનવાના છે. 


સુપ્રીમ કોર્ટે હાલ આવા કોઇ આદેશ આપવાથી ઇનકાર કરી દીધો હતો, જેને પગલે અરજદાર વકીલ વિષ્ણુ શંકર જૈને અરજીને પાછી ખેંચવાની મંજૂરી માગી હતી. જેને સુપ્રીમ કોર્ટે માન્ય રાખી હતી. જોકે તે પહેલા સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની બેંચે તાજેતરના વિવાદો વચ્ચે ટિપ્પણી કરતા કહ્યું હતું કે અમારા પર પહેલાથી જ સંસદીય અને કાર્યપાલિકાની કામગીરીમાં દખલ દેવાના આરોપ લાગી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના વરીષ્ઠ ન્યાયાધીશ ગવઇની આ ટિપ્પણી પરથી સાબિત થાય છે કે તાજેતરમાં રાજનેતાઓ દ્વારા સુપ્રીમ કોર્ટ અંગે જે વિવાદિત ટિપ્પણીઓ કરવામાં આવી હતી તેના પર સુપ્રીમ કોર્ટનું ધ્યાન છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ તો ત્યાંસુધી કહી દીધુ હતું કે સુપ્રીમ કોર્ટ અને દેશના મુખ્ય ન્યાયાધીશ સંજિવ ખન્ના દેશમાં ગૃહયુદ્ધ માટે જવાબદાર છે સુપ્રીમ કોર્ટે જ કાયદા ઘડવાના હોય તો સંસદને તાળા મારી દેવા જોઇએ. વક્ફ કાયદામાં સુધારા અને તામિલનાડુના બિલો અંગે રાજ્યપાલો તેમજ રાષ્ટ્રપતિ અંગે લેવાયેલા નિર્ણયોને લઇને રાજનેતાઓ દ્વારા આ ટિપ્પણીઓ થઇ રહી છે. જોકે ભાજપે એક નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરી હતી કે નિશિકાંત દુબેના નિવેદન સાથે પક્ષ સંમત નથી.

Reporter: admin

Related Post