રાજકોટ :સૌરાષ્ટ્રમાં દિવાળીને હવે સપ્તાહ બાકી છે ત્યારે મેઘ વાદળો વિખેરાતા નથી. છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં પ્રચંડ ગાજવીજ સાથે સાત ઇંચ સુધીનો વરસાદ વરસી ગયો હતો. જેમાં કાલાવડ, ગોંડલ અને લોધિકા પંથકમાં ૫ થી ૭ ઇંચ વરસાદે ખેતીપાકનો સોંથ વાળી દીધો હતો.
ગિરનાર, મેંદરડા, માળિયા હાટિનામાં પણ ચાર ઇંચ વરસાદે જળ બંબાકાર સર્જી દીધો હતો. રાજકોટ શહેરમાં બપોરે કરાં જેવા મોટા છાંટા સાથે વરસેલા ત્રણ ઇંચ વરસાદથી માર્ગો પાણીમાં ગરકાવ થઇ ગયા હતાં.રાજકોટ શહેર-જિલ્લાને ગાજવીજ સાથેના વરસાદે જળબંબોળ કરી દીધા હતા. સૌથી વધુ લોધિકા અને સુલતાનપુરમાં ધુંઆધાર પાંચ ઇંચ વરસાદથી જળબંબાકાર થઇ ગયો હતોજૂનાગઢ જિલ્લામાં ૪ ઇંચ સુધીનું માવઠું વરસ્યું હતું. ગિરનાર પર્વત ઉપરાંત માળિયા હાટીના, મેંદરડા અને વિસાવદરના મોટી મોણપરી ગામે સાંબેલાધારે ચાર ઇંચ વરસાદથી સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઇ હતી. ગિરનાર પરથી પાણીનો ધોધ વહી નીકળ્યો હતો.
જૂનાગઢમાં અઢી અને વંથલીમાં દોઢ, કેશોદ અને વિસાવદરમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. માણાવદરમાં અડધો ઇંચ, પણ ગ્રામ્યમાં ૩ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. એ જ રીતે ગીર સોમનાથ જિલ્લામાં કોડીનારના ડોળાસામાં બે ઇંચ તથા તાલાલા અને ઉનામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.અમરેલી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી પડયો હતો. સૌથી વધુ વડિયામાં સાંબેલાધારે ત્રણ ઇંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો. એ જ રીતે ખાંભા અને સાવરકુંડલામાં દોઢ ઇંચ તથા લીલીયા અને અમરેલીમાં ધોધમાર એક ઇંચ વરસાદે સર્વત્ર પાણી-પાણી કરી નાખ્યું હતું. જામનગર જિલ્લામાં વાદળ-છાંયા વાતાવરણ વચ્ચે કાલાવડમાં ધોધમાર બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે કાલાવડ તાલુકાના મોટા ભાડુકીયા ગામમાં સાંજે અચાનક પડેલા ધોધમાર વરસાદે ગામના ખેડૂતોને ભારે મુશ્કેલીમાં મુકી દીધા છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી અવિરત રીતે જુદા જુદા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કલ્યાણપુર તાલુકામાં સવા બે ઈંચ અને ખંભાળિયા તાલુકામાં દોઢ ઈંચથી વધુ વરસાદ વરસી જવા પામ્યો છે.
Reporter: