પાલઘર: પાલઘર જિલ્લાના વસઇમાં બે લૂંટારાએ ઝવેરીને રિવોલ્વરની ધાક દાખવી તથા તેના પર હુમલો કર્યા બાદ દુકાનમાંથી 45 લાખ રૂપિયાના દાગીના લૂંટ્યા હતા.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર વસઇના અગરવાલ વિસ્તારમાં શુક્રવારે રાતે 9 વાગ્યે આ ઘટના બની હતી.ડેપ્યુટી પોલીસ કમિશનર પૂર્ણિમા ચૌગુલેએ જણાવ્યું હતું કે રાતે દુકાન બંધ કરવાના સમયે લૂંટારા અંદર ઘૂસી આવ્યા હતા.એક લૂંટારાએ મોઢા પર માસ્ક પહેર્યું હતું, જ્યારે બીજાએ હેલ્મેટ પહેર્યું હતું. ઝવેરી દુકાન બંધ કરી રહ્યો હતો ત્યારે લૂંટારાએ અંદર ઘૂસીને તેને રિવોલ્વરની ધાક દાખવી ધમકાવ્યો હતો.
તેઓ ઝવેરીને તિજોરી પાસે લઇ ગયા હતા અને અંદર રાખેલા દાગીના કાઢી લીધા હતા. બાદમાં તેમણે ઝવેરીના માથામાં રિવોલ્વરથી હુમલો કર્યો હતો.આરોપીઓ દુકાનમાંથી 45 લાખ રૂપિયાના દાગીના લૂંટી ફરાર થયા હતા. તેમણે કરેલા હુમલામાં ઘવાયેલા ઝવેરીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટનાનું સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું.
Reporter: admin