ચોરીનો વધતા બનાવો : તેલના ડબ્બાની ચોરીથી પોલીસ પણ ચોંકી

સંસ્કારી નગરી તરીકે ઓળખાતી વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં એક પછી એક ચોરીની ઘટનાઓ સામે આવતા નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. તાજેતરમાં સયાજીગંજ વિસ્તારમાં આવેલી એક ઓઇલ ડેપોની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે, જેમાં અજાણ્યો શખ્સ એકલતાનો લાભ લઇ તેલનો ડબ્બો લઈને ફરાર થઈ ગયો હતો.પ્રાપ્ત માહિતી મુજબ, દુકાનમાં ગ્રાહકોની ઓછી હાજરી અને થોડી ક્ષણોની ખાલી જગ્યા દરમિયાન આ ઘટના બની હતી. શખ્સે તકનો લાભ લઈ ઝડપથી તેલનો ડબ્બો ઉઠાવ્યો અને ત્યાંથી નાસી છૂટ્યો હતો. સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે હવે પોલીસ દ્વારા આરોપીની ઓળખ માટે તપાસ શરૂ કરવામાં આવી છે.સીસીટીવી ફૂટેજના આધારે સયાજીગંજ પોલીસ દ્વારા ઘટનાની ગંભીર નોંધ લેવામાં આવી છે અને આરોપીને ઝડપી પાડવા માટે ટીમો કાર્યરત કરવામાં આવી છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોના કેમેરા ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે.
આ તરફ શહેરમાં નાના-મોટા ચોરીના બનાવો વધી રહ્યા હોવાથી વેપારીઓમાં ચિંતા વધી છે. “હાય રે મોંઘવારી...” જેવી ચર્ચાઓ વચ્ચે હવે સોનુ-ચાંદી નહીં પરંતુ દૈનિક ઉપયોગની વસ્તુઓ જેવી કે તેલના ડબ્બાની ચોરી થવા લાગી છે, જે સ્થિતિને વધુ ગંભીર દર્શાવે છે.સ્થાનિક નાગરિકોએ પણ આવા બનાવોને રોકવા માટે પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠાવી છે.વધતી મોંઘવારીની અસર હવે ચોરીના બનાવોમાં પણ જોવા મળી રહી છે. પહેલા ચોરો રૂપિયા, સોનુ-ચાંદી જેવા કિંમતી સામાનને નિશાન બનાવતા હતા, પરંતુ હવે સ્થિતિ એવી બની છે કે સામાન્ય વસ્તુઓ પર પણ હાથ સાફ થવા લાગ્યા છે. તાજેતરમાં સયાજીગંજ વિસ્તારમાં ઓઇલ ડેપોમાંથી તેલના ડબ્બાની ચોરી થતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. લોકો કહી રહ્યા છે કે “હાય રે મોંઘવારી… હવે તો ચોરો પણ બદલાઈ ગયા!” નાની નાની વસ્તુઓની ચોરીથી વેપારીઓ અને નાગરિકોમાં ચિંતા વધી રહી છે અને સુરક્ષા વ્યવસ્થા પર પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
Reporter: admin







