ભારત ખેતીપ્રધાન દેશ છે. સ્વર્ણિમ ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવાના પ્રયત્નોનો મુખ્ય આધાર સ્તંભ પ્રાકૃતિક તેમજ યૌગિક ખેતી છે. દુનિયાની સર્વ શ્રેષ્ઠ કૃષિ પરંપરા સમૃદ્ધ ગ્રામ્ય ભારતમાં જ હતી. ખેતીની પ્રાચીન સંસ્કૃતિ આજના આધુનિક ભારતમાં લો૫ થતી જાય છે ત્યારે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયના અટલાદરા, માઉન્ટ આબુ સ્થિત કૃષિ અને ગ્રામ વિકાસ પ્રભાગ, જિલ્લા પંચાયત વડોદરા અને આત્મા પ્રોજેક્ટ વડોદરાના સંયુક્ત ઉપક્રમે વડોદરા શહેર તથા આજુબાજુના ગ્રામિણ વિસ્તારોમાં રહેતા ખેડૂતો માટે પ્રાકૃતિક યૌગિક ખેતી વિષયક સેમિનાર બ્રહ્માકુમારીઝ, અટલાદરા ખાતે યોજાયો હતો. આ પરિસંવાદને કૃષિ અને ગ્રામ વિકાસ પ્રભાગના પ્રવક્તા બ્રહ્માકુમારી ગીતાબેન, કલેક્ટર બી.એ. શાહ, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, જાણિતા ઉદ્યોગપતિ અજયભાઈ રાંકા,જિલ્લા ખેતીવાડી અધિકારી નિતીન વસાવા, આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર જીતેન્દ્ર ચારેલ, વડોદરાનાં પૂર્વ જનરલ મેનેજર બ્ર.કુ. રાજેશભાઈ દવે તેમજ ફાર્મ બીજ ફાઉન્ડેશનના મહર્ષિ દવે તેમજ અટલાદરા સેવાકેન્દ્રના સંચાલિકા બ્રહ્માકુમારી ડો. અરુણા તેમજ સહ સંચાલિકા બ્રહ્માકુમારી પૂનમએ દિપ પ્રાગટય કરી પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી નીતિનભાઈ વસાવા,આત્મા પ્રોજેક્ટ જીતેન્દ્ર ચારેલનો સક્રિય તેમજ માર્ગદર્શક સહયોગ પ્રાપ્ત થયો હતો.
સંસ્થાના કૃષિ અને ગ્રામ વિકાસ પ્રભાગના રાષ્ટ્રીય પ્રવક્તા બ્રહ્માકુમારી ગીતા તથા શહેરની ઝાયડેક્ષ કંપનીના ડાયરેક્ટર અજયભાઈ રાંકાએ ખેડૂતોને પ્રાકૃતિક તેમજ યૌગિક ખેતી અંગે માહિતગાર કર્યા હતા. અજયભાઈ રાંકાએ ખેડૂતોને બાયોટેકની નવી ટેકનોલોજી દ્વારા પ્રાકૃતિક ખેતીમાં પહેલા જ પાકથી નફાકારક સાત્વિક ખેતી કેવી રીતે કરી શકાય એ અંગે વિગતે માહિતી આપી હતી. તેમણે ભારતના પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી ના " જય જવાન , જય કિસાન" નાં નારાને આવનારા સમયની ક્રાંતિ ને અનુલક્ષીને પ્રાકૃતિક ખેતીનો નવો મંત્ર આપ્યો હતો. તેમણે ઉમેર્યું કે ભારત એવો દેશ છે જ્યાં ગુણવત્તાથી ભરપૂર ખેતી અનુરૂપ સંપૂર્ણ યોગ્ય વાતાવરણ જેમાં હવા,પાણી,સૂર્ય પ્રકાશ ,વરસાદ,જૈવિક ખાતર અને પ્રાકૃતિક ખેતી પધ્ધતિનું શિક્ષણ સહજ પ્રાકૃતિક રીતે વિપુલ માત્રામાં ઉપલબ્ધ છે. તેમણે નવી ટેકનોલોજી અને જૈવિક ખેતીના સુભગ સમન્વય દ્વારા કેવી રીતે ખેડૂતોની સમસ્યાઓનું નિવારણ કરી શકાય એની વિશ્લેષણાત્મક સમજ સરળ અને સચોટ રીતે આપી હતી. મા.આબુથી પધારેલ બ્રહ્માકુમારી ગીતા એ જણાવ્યું કે સાંપ્રત સમયમાં ઝેરયુક્ત રસાયણના વપરાશથી થતી ખેતી ના કારણે લોકોના સ્વાસ્થ્ય પર વિપરિત અસરો થઈ રહી છે. હવે પોતાના મનને સશકત બનાવી પરમાત્મા શક્તિનાં યૌગિક પ્રયોગ દ્વારા ચમત્કારિક પરિવર્તન લાવી વિષમુક્ત અહિંસક જૈવિક ખેતી કરી ઉત્તમ ગુણવત્તાયુક્ત ખેતપેદાશ પ્રાપ્ત કરવા માટે ખેડુતોને અપીલ કરી હતી.
કલેકટર બી. એ. શાહે પ્રાકૃતિક તેમજ યૌગિક ખેતી માટે ખેડૂતોને ઉત્સાહ પ્રેરક પોતાનું મંતવ્ય રજુ કર્યુ હતું.તેમણે ખેડૂતોને પ્રાકૃતિક તેમજ યૌગિક ખેતી પધ્ધતિ અપનાવવા અનુરોધ કર્યો હતો.પ્રાકૃતિક યૌગિક ખેતી સાત્વિક તેમજ ગુણવત્તા યુક્ત પેદાશ પ્રદાન કરતી ખેતી છે. જે મનુષ્યને તંદુરસ્તી અને સ્વાસ્થય યુક્ત નિરોગી લાંબુ આયુષ્ય બક્ષે છે. તદ્ઉપરાંત આ પદ્ધતિ વાતાવરણને પણ પ્રદૂષણથી મુક્ત રાખી માનવ જીવનને સુરક્ષિત બનાવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ કાર્યક્રમમાં વડોદરાના આજુબાજુના ગ્રામિણ વિસ્તારો માંથી ૭૦૦ જેટલા ખેડૂત ભાઈ બહેનોએ હાજર રહી પ્રાકૃતિક અને યૌગિક ખેતી અંગે ખુબ જ જરૂરી વિગતો પ્રાપ્ત કરી હતી. આ પધ્ધતિ બહુજ સરળ રીતે અપનાવી ગુણવત્તાયુક્ત પાકની કોઈપણ વધારાના ખર્ચના ભારણ વગર નફાકારક ખેતી કરી દેશની આર્થિક અને સામાજિક પ્રગતિમાં ભાગીદાર બની શકીએ છીએ. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન સંસ્થાના સહ સંચાલિકા બ્રહ્માકુમારી પૂનમ એ કર્યું હતું.
Reporter: News Plus