પાલિકા કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયા હતા.
શહેરમાં આગામી ચોમાસા દરમિયાન વિશ્વામિત્રી નદીમાં પૂર ના આવે તે માટે કોર્પોરેશને મોટા ઉપાડે લોકોને સપના બતાવીને વિશ્વામિત્રી પ્રોજેક્ટ શરુ કર્યો છે અને આગામી 100 દિવસનો ખાસ એક્શ પ્લાન બનાવાયો છે પણ ખાટલે મોટી ખોડ એ બહાર આવી છે કે ખુદ સરકારી વિભાગો જ નદીમાં પૂરાણ કરીને નદીના વહેણને અવરોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા હાલ વેમાલીમાં સિક્સ લેન માર્ગ બનાવવાની કામગીરી અંતર્ગત વિશ્વામિત્રી નદી ઉપર બ્રિજ બનાવાની કામગીરી માટે હંગામી એપ્રોચ-વે બનાવવામાં આવતા કોર્પોરેશનના અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી. સ્થાયી સિમિતીના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રી તથા કમિશનર દિલીપ રાણા પણ સ્થળ પર પહોંચ્યા હતા અને હાઇવે ઓથોરિટીને કોર્પોરેશનના પ્લાનિંગની જાણકારી આપી ચોમાસા પહેલા આ કોઝ વે દુર કરાય તેવા પ્રયાસો શરુ કર્યા હતા.

હાલ કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદીમાં પૂર નિવારણ માટેના પગલાં ભરવામાં આવી રહ્યા છે. 100 દિવસમાં વિશ્વામિત્રી નદી સહિત આસપાસના મહત્વના જળાશયોને ઉંડા કરવામાં આવી રહ્યા છે. સાથોસાથ તેમની કેપેસીટી વધારવામાં આવી રહી છે. આ પ્રયાસો પૂરજોશમાં ચાલી રહ્યા છે ત્યારે તેની વચ્ચે સરકારની બે એજન્સીઓ વડોદરા કોર્પોરેશન અને નેશનલ હાઇ-વે ઓથોરીટી વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો છે. મળેલી માહિતી પ્રમાણે સમા વિસ્તારમાં આવેલા વેમાલીમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી પર હાઇ-વે ઓથોરીટી દ્વારા બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં મશીનરી અને કન્સ્ટ્રક્શન માટેનો સામાન નદીના પટમાં ઉતારી શકાય તે માટે પુરાણ કરવામાં આવ્યું છે અને નદીની એક બાજુથી બીજી બાજુ તરફ જવા માટે કામચલાઉ એપ્રોચ-વે તૈયાર કરવામાં આવ્યો છે. આ વાત ધ્યાને આવતા પાલિકા કમિશનર દિલીપ રાણા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયા હતા.તેમણે સ્થળનું નિરીક્ષણ કરીને સમગ્ર મામલા અંગે હાઇવે ઓથોરિટી સાથે ચર્ચા વિમર્શ કરવાનું નક્કી કર્યું હતું.. ઉલ્લેખનિય છે કે એક તરફ નદીને પહોળી અને ઉંડી કરવાનું કામ ચાલુ કરાયું છે ત્યારે હાઇવે ઓથોરિટીના કોન્ટ્રાક્ટરે નદીમાં જ પુરાણ કરવા ઉપરાંત કોઝ વે પણ બનાવી દીધો છે અને તેનાથી વિશ્વામિત્રીના વહેણને ગંભીર અસર થઇ શકે છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ ઉપર પણ તેની અસર પડી શકે છે અને કરોડોનો ખર્ચો કર્યા પછી પણ વડોદરાના લોકોને ફરી એક વાર પૂરનો સામનો પણ કરવો પડી શકે છે. કોર્પોરેશનનો ખર્ચો અને મહેનત બંને નિષ્ફળ જાય તેવી શક્યતા જોતાં પાલિકાના અધિકારીઓ તથા સ્થાયી ચેરમેન જાતે જ સ્થળ પર દોડી ગયા હતા.

ઓથોરિટી સાથે પરામર્શ કરી ચોમાસા પહેલા કોઝ વે દુર કરાશે...
સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, નેશનલ હાઇ-વે ઓથોરીટી દ્વારા હાઇ-વેને સિક્સ લેન બનાવવાની કામગીરી ચાલી રહે છે. જેમાં તેઓ રીવર ઓવરબ્રિજ બનાવી રહ્યા છે. જેના ભાગરૂપે નદીના કાંઠા પર અવર-જવર કરવા માટે નાનું-મોટું પુરાણ કરેલું છે અને પાઇપલાઇન નાંખીને કોઝ-વે બનાવ્યો છે. હજી ચોમાસાને વાર છે. ઓથોરીટી જોડે પરામર્શ કરીને આ કોઝ-વે તથા અન્યને ચોમાસા પહેલા દૂર કરવામાં આવે, જેથી કોઇ અડચણના સર્જાય તથા પાલિકા દ્વારા નદી પહોળી કરવામાં આવતી કામગીરીમાં કોઇ વિક્ષેપ ના આવે એવા પ્રયાસો છે. મ્યુનિસિપલ કમિશનર અને હાઇ-વે ઓથોરીટી સાથે મળીને કામ કરશે. નદીના વહેણ પર જે કામગીરી કરવામાં આવી છે, તે માટે જરૂરી મંજુરી લેવામાં આવી છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે. આ લાંબા ગાળાનું માળખું નથી. ચોમાસાને ધ્યાને રાખીને આ કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તેનું સંકલન કરીને કામ કરાશે. તેમણે કહ્યું કે ઓથોરિટી સાથે પરામર્થ કરી દુર કરાય તો નદીના પહોળાઇની કામગીરીને ડિસ્ટર્બ ના થાય તે માટે વિચાર વિમર્શ ચાલી રહ્યો છે . તેમણે દાવો કર્યો કે તમામ વિભાગો સાથે રેગ્યુલર સંકલન કરાય છે અને તમામ વિભાગને પણ જાણ કરી છે

Reporter: