તરસાલીના સોની પરિવારના સામૂહિક આપઘાતના કેસ માટે જવાબદાર ચાર વ્યાજખોરો સામે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી ચાર વ્યાજખોરોની ધરપકડ.
તરસાલીના સોની પરિવારના સામૂહિક આપઘાતના કેસ માટે જવાબદાર ચાર વ્યાજખોરો સામે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી ઝડપી પાડયા છે. વ્યાજખોરોએ અન્ય કોઇ પાસેથી આ રીતે વ્યાજની વસુલાત કરી છે કે કેમ ? તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.તરસાલી ગંગાસાગર ચાર રસ્તા પાસે નંદનવન સોસાયટીમાં રહેતા ચેતન સોનીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું ઘરેથી લોખંડની રીંગ બનાવવાનું કામ કરૃં છું. ગત તા. ૧ લી એ સાંજે ઘરના તમામ સભ્યો જમીને બેઠા હતા. ત્યારબાદ હું અલ્પના સિનેમા પાસેથી શેરડીનો રસ લાવ્યો હતો. તેમાં બાજવાડાના નિરજભાઇ પાસેથી ગોલ્ડ પોટેશિયમ સાઇનાઇડ લાવી રસમાં ભેળવી મારા પુત્ર આકાશ, પત્ની બિંદુબેન તથા પિતા મનહરલાલને પીવડાવ્યો હતો. ત્યારબાદ તેઓના મોત થયા હતા. હું ઘરેથી લોખંડની જે રીંગ બનાવતો હતો. તેનો ઉપયોગ ડસ્ટ કલેક્ટ બેગ બનાવવામાં થાય છે. આ બેગ બનાવવા માટે અલગ - અલગ રો મટિરિયલનો ઉપયોગ થાય છે.
હું રાજેશભાઇ સિન્ધી ( રહે. અકોટા) પાસેથી ખરીદતો હતો. જેઓની દુકાન સખી હાર્ડવેરના નામે જી.આઇ.ડી.સી. વડસર મેન રોડ પર છે. હું લોખંડની રીંગ બનાવી વેપારીઓને આપતો હતો. તે પૈકી એક વેપારી જયેન્દ્રભાઇ પરમાર છે. જેઓ વાઘોડિયા રોડ વુડાના મકાનમાં રહે છે. જ્યારે અન્ય એક વેપારી ધર્મા સ્વામી છે.ધર્મા સ્વામીના મિત્ર પરેશ પ્રજાપતિ પાસેથી મેં બે લાખ રૃપિયા ૨૦ ટકાના વ્યાજે લીધા હતા. સિક્યુરિટી પેટે પરેશ પ્રજાપતિએ દોઢ લાખ અને ૮૦ હજારના બે ચેક લીધા હતા. મેં પરેશ પ્રજાપતિને ૧.૨૦ લાખ ચૂકવી દીધા છે. અને ધર્મા સ્વામીને પણ કમિશન પેટે દર મહિને ૧૦ હજાર આપતો હતો. પરેશ પ્રજાપતિ તથા ધર્મા સ્વામી દર મહિનાના અંતમાં નાણાંની વસુલાત માટે ધમકી આપતા હતા.
Reporter: News Plus