વડોદરા : શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ગત ચોમાસા દરમિયાન ત્રણ વખત પૂરની પરિસ્થિતિ સર્જાયા બાદ હવે કોર્પોરેશન અને સિંચાઈ વિભાગ દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
જેના ભાગરૂપે આજવા અને પ્રતાપપુરા સરોવર ઊંડા કરવાની કામગીરી લોક ભાગીદારીથી કરવાનો અભિગમ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ અપનાવ્યો છે.વડોદરા શહેરમાં પુર આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા બી.એન નવલાવાલાની અધ્યક્ષતામાં તજજ્ઞોની સમિતિ બનાવી વિશ્વામિત્રી નદીમાં પૂર આવે નહીં તે માટે સર્વે કરી તેનો સમગ્ર રિપોર્ટ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી. તે આધારે તજજ્ઞોની સમિતિએ મુખ્યમંત્રીને રિપોર્ટ રજૂ કર્યા બાદ હવે કોર્પોરેશન અને સિંચાઈ વિભાગનું તંત્ર એક્શનમાં આવી ચોમાસા પહેલા વિશ્વામિત્રી નદી ઊંડી કરવા તેમજ આજવા પ્રતાપુરા સહિતના વિવિધ તળાવો પણ ઊંડા કરવાનું કામ શરૂ કરવાની પૂર્વ તૈયારી કરવામાં આવી છે. વડોદરા નજીક દેણા ગામ પાસે પણ વધુ એક તળાવ ઊભું કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેના ખોદકામની કામગીરી પણ બે દિવસ બાદ શરૂ થવા જઈ રહી છે આ તળાવનું પાણી શહેરના પૂર્વ વિસ્તારમાં પીવા માટે મળે તે અંગે ભાજપના કોર્પોરેટર અજીત દધીચે તાજેતરમાં કોર્પોરેશનની મળેલી સમગ્ર સભામાં રજૂઆત કરી હતી. વડોદરામાં ગયા ચોમાસા દરમિયાન ત્રણવાર આવેલા ભારે પૂરથી રાજ્ય સરકાર સહિત પાલિકા સત્તાધીશો ચોકી ઉઠ્યા હતા. હવે આજવા (સયાજી) સરોવર તથા પ્રતાપપુરા સરોવર ખાતે પાણીની સંગ્રહ ક્ષમતા વધારવાના ઇરાદે બંને સરોવરની માટી ખોદી ઊંડા કરવાનું પાલિકા તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જેથી સરોવરની માટી ખોદી ઊંડાઈ વધારવાની કામગીરી માટે થનારા તમામ ખર્ચ લોક ભાગીદારીથી કરવાનો નક્કી કર્યું છે જે અંગે કોર્પોરેશન દ્વારા જાહેરાત આપવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે આજવા અને પ્રતાપુરા સરોવરમાંથી માટી ખોદકામ કરીને લઈ જવા માટે છૂટછાટ આપવામાં આવે છે અને તેનો તમામ ખર્ચ જે તે માટી ખુદ કામ કરી લઈ જનાર ઈચ્છુકે ભોગવવાનો રહેશે. આ અંગે રસ ધરાવનાર કોન્ટ્રાક્ટર કે અરજદારે કાર્યપાલક ઇજનેર, પાણી પુરવઠા વિભાગ, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, રાજમહેલ રોડ ખાતે આગામી તા.27 ફેબ્રુઆરી સુધીમાં અરજી કરવી જરૂરી છે. આ અંગે કામગીરીની શરતો પાલિકા કચેરીએથી જાણી શકાશે.
Reporter: admin