સિઓલ: રશિયા અને યુક્રેન વચ્ચે બે વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. અત્યાર સુધી કોઈ પણ દેશ આ યુદ્ધમાં નિર્ણાયક લીડ લઈ શક્યો નથી.
એક તરફ પશ્ચિમી દેશો યુક્રેનને સતત હથિયારોની સપ્લાય કરી રહ્યા છે. તો હવે રશિયાને પણ યુદ્ધમાં મોટી મદદ મળી છે. દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીઓએ દાવો કર્યો છે કે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાની મદદ માટે હજારો સૈનિકો મોકલ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને કિમ જોંગની મુલાકાત થઈ હતી અને બંને દેશોએ ઘણા મોટા કરાર પણ કર્યા હતા.દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીઓએ કહ્યું છે કે ઉત્તર કોરિયાએ યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાની મદદ માટે 12,000 સૈનિકો મોકલ્યા છે.
દક્ષિણ કોરિયાની એક સમાચાર સંસ્થાએ આ જાણકારી આપી છે. ન્યૂઝ એજન્સીએ નેશનલ ઈન્ટેલિજન્સ સર્વિસ (NIS)ના ઈનપુટ્સનો હવાલો આપતા કહ્યું હતું કે રશિયાની મદદ માટે ઉત્તર કોરિયાના સૈનિકો રવાના થઈ ચૂક્યા છે. જો કે NISએ આ સમાચારની તાત્કાલિક પુષ્ટિ કરી નથી.ઉતર કોરિયા દ્વારા રશિયાની મદદ માટે મોકલાયેલાં સૈનિકોના મુદ્દે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ઈમરજન્સી બેઠક યોજી છે. રાષ્ટ્રપતિ કાર્યાલયના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિના અધ્યક્ષસ્થાને આપાતકાલીન બેઠક યોજવામાં આવી હતી. જો કે ઉત્તર કોરિયા દ્વારા સૈનિકો મોકલવાના સમાચારની પ્રામાણિકતાને લઈને સરકાર વતી હજુ સુધી આ મામલે કોઇ જ સત્તાવાર પૃષ્ટી કરવામાં આવી નથી.બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ યુક્રેનને તેની 49 જૂની M1A1 અબ્રામ્સ ટેન્ક આપવાની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ મંત્રી રિચર્ડ માર્લ્સે કહ્યું છે કે યુક્રેને થોડા મહિના પહેલા તેને આ ટેન્ક આપવા માટે અનુરોધ કર્યો હતો.
Reporter: admin