તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં સારુ પ્રદર્શન કરી વિજેતા બનનારી ભારતીય જનતા પાર્ટી દ્વારા જુનાગઢ મહાનગરપાલિકાના મેયર અને નગરપાલિકાઓના પ્રમુખના નામ ઉપર મહોર મારવા માટે પાર્લમેન્ટરી બોર્ડની બેઠક શરૂ થઈ છે. જો કે વડોદરા શહેર જિલ્લા પ્રમુખ સહિત તમામ જિલ્લા અને મહાનગરોના પ્રમુખોના નામોની જાહેરાત હવે હોળી પછી કરાશે તેવી જાણકારી મળી રહી છે. જેથી વડોદરાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.આજે પ્રદેશ કમલમ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટિલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ , સંગઠન મહામંત્રી રત્નાકર , પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી , પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ , માજી શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા , કચ્છના સાંસદ વિનોદ ચાવડા સહિતના સભ્યોએ આજે સવારથી જ નિરીક્ષકો દ્વારા મોકલાયેલ નામો ઉપર મનોમંથન શરૂ કર્યું હતું .
આજની આ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં વિવિધ નગરપાલિકાઓ તેમજ જુનાગઢ મહાનગરપાલિકાની બોડીના સભ્યો ઉપર મંજૂરીની મહોર વાગી જશે અને બુધવારે તેની જાહેરાત પણ થઈ જશે . જોકે આધારભૂત માહિતી અનુસાર આવતીકાલે બુધવારે સવારે જે તે જીલ્લા અને મહાનગરો ના અધ્યક્ષને પ્રમુખ તરીકે પસંદ થયેલા નામોના મેન્ડેટ પહોંચાડી દેવામાં આવશે અને જે તે બોડીની જાહેરાત પણ સામાન્ય સભામાં થઈ જાયે એ રીતે આયોજન હાથ ધરવામાં આવ્યું છે . જોકે જેની ઉપર સમગ્ર ગુજરાતની આતુરતાપૂર્વક નજર છે એવી મહાનગરપાલિકા અને જીલ્લાના અધ્યક્ષની જાહેરાત હોળી પછી થાય એવા એંધાણ છે . એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 7 અને 8 ના રોજ સુરત અને નવસારી ખાતે આયોજિત લખપતિ દીદી સન્માન સમારોહમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે ત્યારે આધારભૂત વર્તુળોના જણાવ્યા અનુસાર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે જેનું નામ હોળી પછી જાહેર થવાનું છે તેને સ્ટેજ ઉપર જગ્યા અપાય એવા આસાર છે . હોળી ધૂળેટી બાદ ભારતીય જનતા પાર્ટીના સંગઠનની અટકી પડેલી પ્રક્રિયા હાથ ધરાશે જે અન્વયે વિવિધ જીલ્લા અને મહાનગર ના ભાજપ અધ્યક્ષની જાહેરાત કરી દેવામાં આવશે. એ જોતાં પ્રમુખપદ ના દાવેદારો માટે પહેલા મકરસંક્રાંતિ અને હવે હોળી ધૂળેટી પણ ચિંતા માં જાય એવું દેખાય રહ્યું છે . વડોદરા ભાજપમાં પણ અધ્યક્ષ પદ માટેની ચડસા ચડસી એ યુદ્ધવિરામ લીધો હોય એવું લાગે છે પરંતુ બંને પક્ષોના ભાથામાં રહેલા તીરની મારક ક્ષમતા કેટલી છે એનો પણ મોવડી મંડળને અંદાજ આવી ગયો છે. એ જોતાં વડોદરા ભાજપ અધ્યક્ષ પદ તરીકે જેનું નામ જાહેર થશે એનાથી 440 વૉટનો રાજકીય ઝટકો લાગશે એમ કોઈ બેમત નહીં હોય.
પીએમ મોદી અને ગૃહ મંત્રી વડોદરામાં સરપ્રાઇઝ નામ આપી શકે અત્યારે તો શહેર પ્રમુખ તરીકે 44 જેટલા દાવેદારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે અને મોવડી મંડળ દરેક દ્રષ્ટીએ આ નામોને ચકાસી રહ્યું છે. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખાસીયત એ રહી છે કે તેઓ હંમેશા સરપ્રાઇઝ આપતા રહે છે અને જે નામો ચર્ચાતા હોય તેમના નામોનો છેદ ઉડી જાય છે અને કોઇ એવું નામ આવી જાય છે જેની ચર્ચા પણ થઇ હોતી નથી કે કોઇએ કલ્પના પણ કરી હોતી નથી. જેથી એવી પણ માહિતી મળી રહી છે કે વડોદરાના જૂથવાદ જોતાં હાઇકમાન્ડ કોઇ સરપ્રાઇઝ નામ પણ જાહેર કરી શકે છે. 44 દાવેદારીના લિસ્ટની બહાર રહેલું ચોંકાવનારુ નામ જાહેર થઇ શકે છે. જો કે શહેર પ્રમુખ જે પણ આવે પણ તેની સામે અનેક ચેલેન્જ રહેવાની છે જેમાં શહેરમાં ચાલી રહેલી આંતરીક જૂથબંધી સૌથી મુખ્ય છે. ટાંટીયા ખેંચ પ્રવૃત્તીને ડામવી એ નવા શહેર પ્રમુખ માટે ચેલેન્જ બની રહેશે. બીજી તરફ હવે કોર્પોરેશની ચૂંટણી પણ આવી રહી છે જેથી લોકોનો વિશ્વાસ જળવાઇ રહે અને કાર્યકરો પણ ઉત્સાહમાં પાર્ટીનું કામ કરે તે જોવાની ચેલેન્જ પણ નવા પ્રમુખ પાસે રહેશે. ભાજપમાં અત્યારે ઘણા ગૃપ થઇ ગયા છે અને તે તમામને એક સાથે રાખીને ચાલવાની ચેલેન્જ પણ નવા પ્રમુખે ઉઠાવવી પડશે.
Reporter: admin