અમેરિકાના દિગ્ગજ બોક્સર માઈક ટાયસને લગભગ 20 વર્ષ બાદ પ્રોફેશનલ બોક્સિંગમાં વાપસી કરી છે. પરંતુ તેની આ વાપસી યાદગાર નથી રહી.
જેક પોલ સામેની શાનદાર મેચમાં તેને 74-78થી હારનો સામનો કરવો પડ્યો છે. જજોએ સર્વસંમતિથી જેકને વિજેતા જાહેર કર્યા છે. ટાયસન પ્રથમ બે રાઉન્ડમાં આગળ હતો, પરંતુ બાકીના છ રાઉન્ડમાં તેને પછાડી દેવામાં આવ્યો હતો.જેક અને ટાયસન વચ્ચે ઉંમરમાં 30 વર્ષનું અંતર છે. 58 વર્ષનો હોવા છતાં ટાયસને અંત સુધી હાર ન માની.આમ જોવા જઈએ તો માઈક ટાયસનની પ્રોફેશનલ બોક્સિંગ કારકિર્દીની આ સાતમી હાર હતી.આ પહેલા ટાયસને તેની છેલ્લી પ્રોફેશનલ મેચ વર્ષ 2005માં કેવિન મેકબ્રાઈડ સામે રમી હતી, જેમાં પણ તેણે હારનો સામનો કરવો પડ્યો હતો.ટાયસન અને જેક પોલ વચ્ચેનો મુકાબલો 16 નવેમ્બર (શનિવાર)ના રોજ આર્લિંગ્ટન (USA)ના AT&T સ્ટેડિયમમાં થયો હતો.
માઈક ટાયસન અને જેક પોલ વચ્ચેનો આ હેવીવેઈટ મુકાબલો આઠ રાઉન્ડનો હતો. માઈક ટાયસને પ્રથમ રાઉન્ડ 10-9થી જીત્યો હતો. બીજા રાઉન્ડમાં પણ તેણે 10-9થી જીત મેળવી હતી. જેક પોલે ત્રીજા રાઉન્ડમાં વાપસી કરી અને કેટલાક સોલિડ પંચ માર્યા હતા. જેક પોલે ત્રીજા રાઉન્ડમાં 10-9થી જીત મેળવી હતી. ત્યારબાદ ચોથો રાઉન્ડ પણ 10-9થી પોલના પક્ષમાં રહ્યો હતો. ચોથા રાઉન્ડ બાદ સ્કોર બરાબર (38-38) રહ્યો હતો.પાંચમા રાઉન્ડમાં માઈક ટાયસનને પોલના ઓવરહેન્ડ પંચથી ચહેરા પર જોરદાર ઈજા પહોંચી જેના કારણે તેનો મોમેન્ટમ સંપૂર્ણ રીતે તૂટી ગયો. જેક પોલે પાંચમો રાઉન્ડ પેતાના નામે કરી મેચમાં લીડ મેળવી લીધી. ત્યારબાદ પોલે છઠ્ઠો, સાતમો અને આઠમો રાઉન્ડ પણ પોતાના નામે કરી લીધો. માઈક ટાયસનને આ મેચમાંથી 20 મિલિયન ડોલર (લગભગ 169 કરોડ રૂપિયા) મળ્યા. જ્યારે તેના હરીફ જેક પોલને 40 મિલિયન ડોલર (લગભગ 338 કરોડ રૂપિયા) મળ્યા છે.
Reporter: admin