લંડન: સોમવારે બ્રિટનના કીંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાને તેઓનાં સ્થાનેથી એકાએક સલામત સ્થળે લઈ જવાં પડયાં હતાં. કારણ કે અચાનક જ એવો સંદેશો મળ્યો કે શાહી દંપતિની સલામતી અંગે ભીતિ રહેલી છે. જો કે પછીથી તે સમાચાર ખોટા જ પૂરવાર થયા હતા.
પરંતુ તાજેતરમાં જ અમેરિકાના પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર થયેલા હત્યાના પ્રયાસ પછી સૌ કોઈ સહજ રીતે સાવચેત બની રહ્યાં છે.કીંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલા, ચેનલ આઈસલેન્ડના પ્રવાસે ગયાં હતાં, ત્યાં જર્સીમાં જર્સી ડેરીના મેનેજિંગ ડીરેક્ટર ફેનલોને તેઓને તેમની ડેરીમાં બનાવેલો આઈસક્રીમ આપ્યો. ક્વીન કેમિલા તે આઈસ્ક્રીમ ખાતાં હતાં, તે સમયે જ અચાનક તેઓની સલામતી જોખમમાં છે તેવો ફલેશ મળતાં રક્ષકો સતેજ થઈ ગયા હતા, અને શાહી દંપતિને જર્સીની પોમ્મે દે ઑર હોટેલમાં મજબૂત રક્ષણ નીચે લઈ જવાયાં હતાં.
તે પછી સલામત રક્ષકોએ સઘન તપાસ કરી પરંતુ તે સંદેશો ખોટો નીકળ્યો. તેથી કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલા ત્યાંની એક શાળાનાં બાળકોએ યોજેલો નૃત્ય કાર્યક્રમ જોવા પહોંચી ગયાં હતાં.આ માહિતી આપતાં રૉયલ સોર્સે મિરરને જણાવ્યું હતું કે સહજ રીતે જ આ ધમકી ઘણી નાની હતી. પરંતુ તાજેતરમાં અમેરિકાના પ્રમુખ પણ ઉમેદવાર ડૉનાલ્ડ ટ્રમ્પ ઉપર થયેલા ગોળીબાર પછી સૌ કોઈએ સાવચેત રહેવાની જરૂર છે.
Reporter: admin